કૉન્ગ્રેસ સંસદસભ્ય કામત કહે છે... ફંક્શનમાં દેશભક્તિનાં ગીતો જ વાગી રહ્યાં હતાં

15 December, 2011 10:17 AM IST  | 

કૉન્ગ્રેસ સંસદસભ્ય કામત કહે છે... ફંક્શનમાં દેશભક્તિનાં ગીતો જ વાગી રહ્યાં હતાં



આ અહેવાલ જોઈ મને શૉક લાગ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૯ ડિસેમ્બરે ગોરેગામના ફિલ્મસિટી રોડ પર યોજાયેલા ફંક્શનમાં મેં અને વિધાનસભ્ય રાજહંસ સિંહે હાજરી આપી હતી.

૧૧ ડિસેમ્બરે યોજાનારા એક ફંક્શનમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણ સાથે કૉન્ગ્રેસી કાર્યકરોએ અમારો સંપર્ક કર્યો હતો. અમારા અગાઉનાં રોકાણોને કારણે અમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકીએ એમ નહોતા એટલે ૧૧ને બદલે ૯ ડિસેમ્બરે સાંજે ફિલ્મસિટી રોડ પર કૉન્ગ્રેસ કાર્યકરોની મીટિંગમાં હાજરી આપવા અમે સંમત થયા હતા, જે યોગાનુયોગ કૉન્ગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીનો જન્મદિન હતો.

કાર્યક્રમના સ્થળે પહોંચીને અમે પહેલાં ઑડિયન્સમાં બેઠા, કારણ કે ઑર્કેસ્ટ્રા દેશભક્તિનું ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે’ રજૂ કરી રહ્યું હતું. ગીત પૂરું થયા બાદ અમને ડાયસ પર લઈ જવામાં આવ્યા હતા. એ સમયે ‘જય જય મહારાષ્ટ્ર માઝા, ગરજા મહારાષ્ટ્ર માઝા’ ગીત રજૂ થતું હતું. આ ગીત પૂરું થયા બાદ ઑર્કેસ્ટ્રા બંધ થયું હતું અને ત્યાર બાદ અમે બન્નેએ સભાને સંબોધીને જોગેશ્વરીમાં દત્ત જયંતી કાર્યક્રમમાં ભાગ લેવા રવાના થયા હતા. ઑર્કેસ્ટ્રા માત્ર દેશભક્તિનાં ગીત રજૂ કરશે એવી ખાતરી અમને આયોજકોએ આપી હતી અને બે ગીત તો અમારી સમક્ષ રજૂ થયાં હતાં. આયોજકોએ આપેલી ખાતરી બાબતે અમારા મનમાં જરાય શંકા નહોતી. અમારા ગયા બાદ કોઈ વાંધાજનક ગીત કે પર્ફોર્મન્સ રજૂ થાય એના માટે અમને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ માટે આયોજકો સામે પગલાં લેવામાં આવશે.

કલકત્તાની ટ્રૅજેડી આ કાર્યક્રમ ચાલુ હતો ત્યારે થઈ નહોતી અન્યથા અમે આ મીટિંગ કૅન્સલ કરાવી હોત. કલકત્તા હૉસ્પિટલની ઘટના ૧૦ ડિસેમ્બરે વહેલી સવારે બની હતી એટલે તમારા અહેવાલનું શીર્ષક ગેરમાર્ગે દોરનારું અને બદનક્ષીકર્તા છે.

‘મિડ-ડે’નો જવાબ

ગુરુદાસ કામતે રજૂ કરેલી માહિતીમાં ભૂલ છે. કલકત્તામાં આમરી (ઍડ્વાન્સ્ડ મેડિકેર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) હૉસ્પિટલ ટ્રૅજેડી ૯ ડિસેમ્બરે સવારે થઈ હતી અને એટલે જ કૉન્ગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ દિલ્હીમાં તેમના જન્મદિનની ઉજવણી કૅન્સલ કરી હતી.

‘મિડ-ડે’ પાસે એ તસવીરો છે, જેમાં કૉન્ગ્રેસના કાર્યકરો સ્ટેજ પર બારડાન્સરની જેમ નાચતી છોકરીઓ સાથે ડાન્સ કરી રહ્યા છે.