પ્રેગ્નન્ટ થઈ ગયેલી ગુજરાતી સ્કૂલગર્લને ઘરમાં પાછી લેવાનો મા-બાપનો ઇનકાર

15 December, 2011 10:17 AM IST  | 

પ્રેગ્નન્ટ થઈ ગયેલી ગુજરાતી સ્કૂલગર્લને ઘરમાં પાછી લેવાનો મા-બાપનો ઇનકાર

 

કિશોરીનો ગર્ભ મર્યાદાની બહાર વિકસી ગયો હોવાથી તબીબી દૃષ્ટિએ તેનો ગર્ભપાત પણ થઈ શકે એમ નથી. વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બન્ને એક જ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણે છે અને છેલ્લા એક વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં. ઓળખાણને કારણે તેઓ અવારનવાર બોરીવલીના નૅશનલ પાર્કમાં ફરવા જતાં હતાં અને સેક્સ માણતાં હતાં, જેમાં કિશોરીને ગર્ભ રહી ગયો છે. બોરીવલી (ઈસ્ટ)ની કસ્તુરબા માર્ગ પોલીસે કહ્યું હતું કે ‘અમે કિશોરીને હાલમાં હૉસ્પિટલમાં મોકલી આપી છે. તેનાં માતાપિતા તેને સ્વીકારવા માનસિક રીતે તૈયાર નથી.’

ગર્ભનો વિકાસ ૨૪ સપ્તાહ એટલે કે પાંચ માસ કરતાં વધુનો થઈ ગયો છે. અબૉર્શનના કાયદા પ્રમાણે ૨૦ સપ્તાહથી વધુ વિકસી ગયેલા ગર્ભનું અબૉર્શન થઈ શકતું નથી. આ હકીકતને કારણે કસ્તુરબા માર્ગ પોલીસે હાલમાં આ કિશોરીને એક સરકારી હૉસ્પિટલમાં રાખી છે.

પોતાની પુત્રીએ કુંવારી માતા બનીને પાપ કર્યું છે એમ જણાવીને તેનાં માતાપિતાએ તેને ઘરમાં લેવાનો પણ ઇનકાર કરી દીધો છે. કિશોરીની મમ્મી ફેરી કરીને આવક કરે છે, જ્યારે કિશોરના પિતા બોરીવલી-ઈસ્ટમાં નાનો વેપાર કરે  છે. ૧૫ વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવવા બદલ કસ્તુરબા માર્ગ પોલીસે કિશોરની બળાત્કારના આરોપસર ધરપકડ કરી તેને બાળસુધારગૃહમાં મોકલી આપ્યો છે. સંપૂર્ણ મુદ્દો સંવેદનશીલ હોવાથી પોલીસ કોઈની પણ ઓળખ સ્પષ્ટ કરવા તૈયાર નથી.