અંધેરી, કુર્લા, દાદર અને ઘાટકોપરમાં મહિલાઓની જાતીય સતામણી સૌથી વધુ

14 December, 2011 09:44 AM IST  | 

અંધેરી, કુર્લા, દાદર અને ઘાટકોપરમાં મહિલાઓની જાતીય સતામણી સૌથી વધુ



મહિલાઓની જાતીય સતામણી કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે એ જાણવાના હેતુથી શરૂ કરવામાં આવેલા અભિયાન ઝીરો ટૉલરન્સ અગેઇન્સ્ટ સેક્સ્યુઅલ હૅરેસમેન્ટને એક મહિનો પૂરો થયો છે. એમાં શહેરમાં કુલ ૨૫ જેટલી જગ્યાઓ શોધી કાઢવામાં આવી છે જેમાં સૌથી વધુ ખરાબ જગ્યાઓમાં અંધેરી, કુર્લા, દાદર તથા ઘાટકોપરનો સમાવેશ છે. જે મહિલાઓની છેડતી કરવામાં આવી હોય તેમ જ જે લોકોએ છેડતી થતી જોઈ હોય એવા લોકોની પ્રતિક્રિયાના આધારે આ સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે. જાતીય સતામણી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે એવી માગણી સાથે ૪૦,૦૦૦થી વધુ લોકોની સહીઝુંબેશ બાદ આ વિચાર અમલમાં મૂકવામાં આવ્યો હતો. એમાં જે લોકો સાથે આવા બનાવો બન્યા હોય તેઓ પોતાના વિચારો https://vawmumbai.crowdmap.com પર ઑનલાઇન મૂકી અન્ય લોકો સાથે પોતાનો વિચારોનું આદાનપ્રદાન કરી શકે એવો આશય હતો. આ સમગ્ર વિચાર શમીર પી. નામના યુવાનનો હતો. એમાં લોકો પોતાની સાથે કયા વિસ્તારમાં આવો છેડતીનો બનાવ બન્યો હતો એ પણ કહી શકે છે, જેથી કયા વિસ્તારોમાં આવા બનાવો વધુ બને છે એની જાણકારી પોલીસને આપી શકાય. આ અભિયાનના કો-ઑર્ડિનેટર રુબેન મૅસ્કરેન્હૅસે કહ્યું હતું કે એક મહિનો ચાલેલા આ અભિયાન બાદ શહેરનાં ૨૫ જેટલાં સ્પૉટ શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે. આ અભિયાન ચલાવાનારાઓ તાજેતરમાં જ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસને મળ્યા હતા અને પોલીસે આવાં સ્થળો પર પગલાં ભરવાની ખાતરી પણ આપી હતી.

આ સમગ્ર અભિયાન ઑક્ટોબરમાં આંબોલીની એક રેસ્ટોરાંની બહાર બે મહિલામિત્રોની છેડતી કરતા ગુંડાઓ સામે પડેલા રુબેન ફર્નાન્ડિસ તથા કીનન સૅન્ટોઝની હત્યા બાદ શરૂ કરવામાં આવ્યું હતું.

લોકોના પ્રચંડ વિરોધથી આંબોલી બાર બંધ

અંધેરીની આંબોલી બાર ઍન્ડ કિચન નામની રેસ્ટોરાંને ત્યાંના લોકોના પ્રચંડ વિરોધને કારણે બંધ કરી દેવી પડી છે. આ જ બારની બહાર ઑક્ટોબરમાં પોતાની ફ્રેન્ડ્સની છેડતીનો કીનન સૅન્ટોઝ અને રુબેન ફર્નાન્ડિસ નામના બે યુવાનોએ વિરોધ કરતાં અમુક માથાભારે તત્વોએ તેમની હત્યા કરી હતી. જોકે રેસ્ટોરાંના સંચાલકોએ એવો દાવો કર્યો હતો કે નવા મૅનેજમેન્ટના નિરીક્ષણમાં બારનું નવેસરથી સુશોભન થઈ રહ્યું છે. આમ છતાં હકીકત એ છે કે આ રેસ્ટોરાંને સ્થાનિક જનતાના ઉગ્ર વિરોધને કારણે બંધ કરી દેવામાં આવી છે. વાત તો એવી પણ જાણવા મળી છે કે પેલા બન્ને યુવાનોને બચાવવા ગયેલા રેસ્ટોરાંના એક માણસને મૅનેજમેન્ટે નોકરીમાંથી કાઢી મૂક્યો હોવાથી નાગરિકોમાં રોષ ફેલાયો હતો.