અંધેરીના લોકોની સમસ્યા દૂર નહીં થાય

09 December, 2011 08:30 AM IST  | 

અંધેરીના લોકોની સમસ્યા દૂર નહીં થાય



મેટ્રો રેલ્વેના કારડેપોમાં જવા માટેનો રસ્તો બાંધવા મે મહિનામાં અંધેરી (વેસ્ટ)ના જે. પી. રોડ પર ચાર બંગલો જંક્શન અને ઇન્ડિયન ઑઇલ જંક્શન વચ્ચેના ૫૦૦ મીટરના પટ્ટાને બંધ કરવામાં આવતાં રાહદારીઓ અને મોટરિસ્ટોને તકલીફ પડી રહી છે અને નવા વર્ષમાં પણ આ તકલીફમાંથી છુટકારો મળવાનો નથી, કારણ કે આ કામ હજી અધૂરું છે.

એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) અને મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (એમએમઓપીએલ) દ્વારા ૧૧.૦૭ કિલોમીટરની વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો રેલ્વે બાંધવામાં આવી રહી છે. મેટ્રો રેલ્વેના કારડેપોમાં જવા માટેનો રસ્તો બાંધવા માટે બે મહિનાનો સમય લાગવાનો હતો, પણ હજી કામ પૂરું થયું નથી.

રસ્તો બંધ થતાં સાત બંગલો અને લોખંડવાલા કૉમ્પ્લેક્સથી અંધેરી સ્ટેશન આવતાં ઘણો સમય લાગે છે. બેસ્ટ (બૃહન્મુંબઈ ઇલેક્ટિÿક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ)ની બસો લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલના માર્ગે જ્યારે કેટલાક મોટરિસ્ટો તો જુહુ સર્કલથી જુહુ ગલી થઈ લાંબું ચક્કર કાપીને સ્ટેશને પહોંચે છે. સવાર અને સાંજના ધસારાના સમયે આ પ્રવાસ કષ્ટમય બની રહે છે.

એમએમઆરડીએના જૉઇન્ટ પ્રોજેક્ટ ડિરેક્ટર દિલીપ કવટકરે કહ્યું હતું કે આ રસ્તો હજી ખોલવામાં કેમ આવ્યો નથી એ બાબતે અમે તપાસ કરીશું અને ઝડપથી કામ પૂર્ણ કરી રસ્તો ખોલવામાં આવે એવી સૂચના આપીશું