બાર તથા ડિસ્કોની ડેડલાઇનને લઈને કન્ફ્યુઝન

09 December, 2011 08:29 AM IST  | 

બાર તથા ડિસ્કોની ડેડલાઇનને લઈને કન્ફ્યુઝન



નવા વર્ષને આવકારવાની તૈયારીઓ બધી બાજુ થઈ રહી છે એવા માહોલમાં હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલા એક સક્ર્યુલરને કારણે જુદી-જુદી ક્લબના માલિકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સક્ર્યુલરમાં જણાવ્યા મુજબ ફોરસ્ટાર તથા એની ઉપરની કૅટેગરીમાં આવતા ડિસ્કોથેક રાતે ત્રણ વાગ્યા સુધી ખુલ્લા રહી શકે છે, પરંતુ આ સક્ર્યુલર લેબર ડિપાર્ટમેન્ટના બૉમ્બે શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ ૧૯૪૮નો ભંગ કરે છે. આ કાયદા મુજબ ખાણીપીણીની કોઈ પણ દુકાનો, હોટેલ અથવા રેસ્ટોરાં રાતે ૧૨ વાગ્યા બાદ ખુલ્લી ન રહી શકે.

મુંબઈ, નવી મુંબઈ તથા થાણેમાં આવેલી હોટેલો તથા પરમિટ રૂમને રાતે ૧.૩૦ વાગ્યા સુધી ફૂડ તથા લિકર આપવાની છૂટ આપવામાં આવી છે. લેબર ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ હોમ ડિપાર્ટમેન્ટે લેબર ડિપાર્ટમેન્ટની ઉપરવટ જઈને આ સક્ર્યુલર બહાર પાડ્યો છે. લેબર ઍક્ટ મુજબ ખાણીપીણીની કોઈ પણ દુકાનો, હોટેલ અથવા રેસ્ટોરાં પોતાનું કામકાજ સવારે પાંચ વાગ્યા પહેલાં શરૂ ન કરી શકે તેમ જ રાતે ૧૨ વાગ્યા બાદ ચાલુ ન રાખી શકે.

લેબર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આ કાયદાને કોઈ શહેર કે શ્રેણી પ્રમાણે અલગ ન પાડી શકાય. જો કોઈને વિશિષ્ટ સંજોગોમાં સમયમાં ફેરફાર કરવો હોય તો લેબર ડિપાર્ટમેન્ટની સલાહ લેવી આવશ્યક છે. વળી કાયદામાં કોઈ પણ જાતનો બદલાવ કે સુધારા કરવા માટે સ્ટેટ કૅબિનેટ, ત્યાર બાદ વિધાનસભા અને અંતે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી લેવી જરૂરી છે.

આ તરફ હોમ ડિપાર્ટમેન્ટ પાસેથી જાણવા મળ્યું હતું કે ‘સમયમર્યાદાને લઈને કોઈ પણ જાતની શંકા-કુશંકા નથી. આ નિર્ણય તમામ ડિપાર્ટમેન્ટના સભ્યોની બનેલી કમિટીના ભલામણોના આધારે જ લેવામાં આવ્યો છે. જે ઑથોરિટી લાઇસન્સ આપતી હોય એ જ એને બદલવાની સત્તા પણ ધરાવતી હોય છે.’

કાયદો શું કહે છે?

બૉમ્બે શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ ૧૯૪૮ની સેક્શન ૨ (૮) દુકાનો, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, લૉજ, હોટેલ, રેસ્ટોરાં, ઈટિંગ હાઉસ, થિયેટર, પબ્લિક અમ્યુઝમેન્ટ અથવા એન્ટરટેઇનમેન્ટમાં કામ કરતા તમામ કર્મચારીઓ પર લાગુ પડે છે. આ ઍક્ટના ચૅપ્ટર ૪ તથા સેક્શન ૧૯ (૧) મુજબ કોઈ પણ ઈટિંગ હાઉસ, હોટેલ તથા રેસ્ટોરાં પોતાનું કામકાજ સવારે ૫ાંચ વાગ્યા પહેલાં શરૂ નહીં કરી શકે તેમ જ રાતે ૧૨ વાગ્યા બાદ ચાલુ રાખી નહીં શકે.