નાલાસોપારાના ગૃહસ્થનો ૧૧૦ દિવસે સંથારો સીજ્યો

01 December, 2011 08:53 AM IST  | 

નાલાસોપારાના ગૃહસ્થનો ૧૧૦ દિવસે સંથારો સીજ્યો



નાલાસોપારા (ઈસ્ટ)માં રહેતા ૫૪ વર્ષના નલિન ગાલા અને ૫૦ વર્ષનાં તેમનાં પત્ની નિશા ગાલાએ ૧૧૦ દિવસ પહેલાં સંથારો લીધો હતો. ગઈ કાલે સાંજે ૫.૪૫ વાગ્યે નલિન ગાલાનો સંથારો સીજી ગયો હતો.

આજે સવારે ૯ વાગ્યે તેમની પાલખીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાલાસોપરા (ઈસ્ટ)ના આચોલે તળાવ પાસે આવેલા તોડાયાનગરના ઉપાશ્રયમાં તેમણે સંથારો લીધો હતો.

જૈન ધર્મના સ્થાનકવાસી આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયના અને મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામના નલિન ગાલા અને તેમનાં પત્ની નિશા ગાલાએ સંથારો લીધો હતો. ગઈ કાલે નલિન ગાલાનો સંથારો સીજી ગયો હતો. સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ અસાધ્ય બીમારીને કારણે નલિન ગાલાએ સંથારો લેવાનું વિચાર્યું હતું અને તેમને લિવરની બીમારીથી પીડાતાં નિશા ગાલાએ સાથ આપ્યો હતો. 

કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નલિન ગાલાનાં વૃદ્ધ માતા-પિતાએ તેમને સંથારો કરવાની પરવાનગી આપી હતી. ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા નલિન ગાલા થોડા દિવસોથી નિવૃત્ત જીવન ગાળતા હતા. સ્થાનકવાસી જૈન હોવા છતાં તેમને મણિભદ્ર વીર (જૈન દેવ) પર ખૂબ આસ્થા અને શ્રદ્ધા હતી એમ જણાવતાં નલિન ગાલાના પિતા અમૃતલાલ ગાલાએ કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે ઝરણાંબાઈ મહાસતીજી અને સમૃદ્ધિબાઈ મહાસતીજી તેમને ધાર્મિક બોધ આપી રહ્યાં હતાં ત્યારે તેમનો સંથારો સીજી ગયો હતો. બહુ જ શાંતિપૂર્વક તેમનો સંથારો સીજ્યો હતો. નિશાબહેન પણ હવે બહુ જ અશક્ત થઈ ગયાં છે અને પથારીવશ છે.’