દીકરીના ઘરે આરામ કરવા માટે આવેલા સુરતના પૅથોલૉજિસ્ટનો વિચિત્ર અકસ્માત

22 November, 2011 10:28 AM IST  | 

દીકરીના ઘરે આરામ કરવા માટે આવેલા સુરતના પૅથોલૉજિસ્ટનો વિચિત્ર અકસ્માત



 

(રોહિત પરીખ)

ઘાટકોપર, તા. ૨૨

સુરતથી ઘાટકોપર (ઈસ્ટ)ના સુધા પાર્કમાં રહેતી દીકરીને ત્યાં ૧૦-૧૫ દિવસ આરામ કરવા આવેલા સુરતના પૅથોલૉજિસ્ટ સિનિયર સિટિઝન સતીશ ઝવેરી એક વિચિત્ર અકસ્માતનો ભોગ બનતાં તેમને ગંભીર ઈજા સાથે પવઈની હીરાનંદાની હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

સતીશ ઝવેરી શનિવારે સાંજે ૬ વાગ્યે બદલાપુરની તેમના જમાઈ ઉમેશ શાહની કેમિકલની ફૅક્ટરીની વિઝિટ કરી ઘાટકોપર તેમની દીકરી શિવાલી ઉમેશ શાહના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે ડોમ્બિવલી શીલફાટા સર્કલના બિસમાર રસ્તા પરથી એક કિલો જેટલું વજન ધરાવતો પથ્થર ઊડીને તેમની કારના કાચને તોડીને કપાળે વાગતાં તેમનું કપાળ ફાટી ગયું હતું.

શું બન્યું?

આ વિચિત્ર અકસ્માતની વાત કરતાં તેમના જમાઈ ઉમેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે અંદાજે ૬ વાગ્યા પછી મારા સસરા ૬૭ વર્ષના દેરાવાસી જૈન સતીશ ઝવેરી બદલાપુરમાં આવેલી મારી કેમિકલની ફૅક્ટરીની વિઝિટ કરી મારા નાના ભાઈ ડિમ્પલ સાથે ઘાટકોપર મારા ઘરે કારમાં જઈ રહ્યા હતા ત્યારે ડોમ્બિવલી શીલફાટા સર્કલના બિસમાર રસ્તા પરથી તેમની કાર પર અચાનક એક કિલો જેટલું વજન ધરાવતો એક પથ્થર ઊડીને આવ્યો હતો જે કારનો આગળનો કાચ ફોડી સીધો કારની અંદર બેઠેલા સતીશભાઈના કપાળ પર વાગતાં તેમને કપાળમાં મલ્ટિપલ્સ ફ્રૅક્ચર આવ્યાં હતાં. કપાળ પર આવેલાં ફ્રૅક્ચર્સને લીધે તેમનાં જડબાંને અને મગજના ભાગને પણ નુકસાન થયું છે. સામાન્ય સંજોગોમાં સિટી હૉન્ડા કારમાં આગળના કાચમાંથી જ્યાં સુધી કોઈ વેગમાં વસ્તુ ન આવે ત્યાં સુધી એ કાચને ફોડીને અંદરની વ્યક્તિને વાગવાના ચાન્સિસ બહુ જ ઓછા હોય છે. ડિમ્પલ એ સમયે પથ્થર ક્યાંથી આવ્યોે અને કેવી રીતે આવ્યો એ જાણવાની પરવા કર્યા વગર જલ્દીથી મારા સસરાને ઘાટકોપર લઈ આવ્યો હતો, જ્યાં પહેલાં અમે અહીંની આશા પૉલિક્લિનિકમાં તેમને દાખલ કર્યા હતા, પણ તેમનો ઘા મોટો હોવાથી અને અનેક પ્રકારનું ચેક-અપ કરવાની જરૂર હોવાથી અમે તેમને પવઈની હીરાંનંદાની હૉસ્પિટલમાં દાખલ કર્યા છે.’

પથ્થર કઈ રીતે આવ્યો?

પથ્થર ક્યાંથી ઊડીને આવ્યો એનાથી અજાણ કાર ડ્રાઇવ કરી રહેલા ડિમ્પલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોમ્બિવલી શીલફાટા સર્કલના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે આમ તો રસ્તાની ખરાબ હાલતને લીધે કાર એવી કોઈ સ્પીડમાં નહોતી તો પણ બિસમાર હાલતવાળા રસ્તા પરથી કેવી રીતે પથ્થર ઊડીને મારી કાર પર આવ્યો એ હજી પણ મને સમજાતું નથી. આમ છતાં આ રસ્તા પર અનેક વાર આવા બનાવ બનતા હોવાનું મેં સાંભળ્યું છે. આ બાબત એક અકસ્માતની જ હોવાથી અમે પોલીસમાં ફરિયાદ કરી નથી.’