મલાડની સોસાયટીના સભ્યોના અનશન સફળ નીવડ્યા

17 November, 2011 09:43 AM IST  | 

મલાડની સોસાયટીના સભ્યોના અનશન સફળ નીવડ્યા



૯૦ ટકા ગુજરાતી વસ્તી ધરાવતી મલાડ (ઈસ્ટ)ની વર્ષાવિહાર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓએ બિલ્ડર પાસે કન્વેયન્સની વારંવાર માગણી કરી હતી, પણ બિલ્ડરે તેમની માગણીને ન ગણકારતાં આખરે સોસાયટીના ૧૫ મેમ્બરોએ ગયા શુક્રવારથી ગાંધીવાદી અણ્ણા હઝારેનું કારગત નીવડેલું અનશનનું શસ્ત્ર ઉગામ્યું હતું. ગઈ કાલે તેમના અનશનનો છઠ્ઠો દિવસ હતો. ત્યારે આખરે બિલ્ડરે તેમની સાથે મીટિંગ કરીને નમતું જોખ્યું હતું અને હવે ૧૫ દિવસમાં કન્વેયન્સ કરી આપવાની તૈયારી બતાવી છે. બિલ્ડરે આ બાબતે કહ્યું હતું કે તમારા તરફથી પેપર્સ તૈયાર કરો, હું તમને કન્વેયન્સ આપીશ. આમ અણ્ણા હઝારેનું અનશનનું શસ્ત્ર ફરી એક વખત કારગત નીવડ્યું છે અને વર્ષાવિહાર સોસાયટીના રહેવાસીઓના અનશનનો અંત આવ્યો છે. મોસંબીનો જૂસ પીને અનશનનાં પારણાં કરવામાં આવ્યાં હતાં.

વર્ષાવિહાર સોસાયટીમાં ગઈ કાલે રાત્રે પાર્ટીનો માહોલ જામ્યો હતો. યંગસ્ટર્સ અને બાળકો તો ઢોલ-નગારાંના તાલે ઝૂમી ઊઠ્યા હતા અને જીતનો જશન મનાવ્યો હતો. મહિલાઓ પણ છૂટેલા અનશનને કારણે હરખમાં આવી ગઈ હતી. તેમને મળેલી જીત વિશે માહિતી આપતાં વર્ષાવિહાર સોસાયટીના ચૅરમૅન આનંદ શુક્લે કહ્યું હતું કે ‘અમૅલ્ગમેટેડ બિલ્ડિંગ કૉર્પોરેશનના ૭૮ વર્ષના મુખ્ય બિલ્ડર રતનબાબુ પરસરામપુરિયાએ અમને કહ્યું હતું કે તમે પેપર્સ તૈયાર કરાવો, હું તમને પંદર દિવસમાં કન્વેયન્સ કરી આપીશ. અમને જ નહીં, અમારી સાથે અમૅલ્ગમેટેડ બિલ્ડિંગ કૉર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી અન્ય સોસયટીના પણ પ્રતિનિધિઓ હતા. તેમને પણ તેમણે કહ્યું હતું કે તમે પણ તમારા ઍિગ્રમેન્ટ્સ લઈ આવો, જે પણ કન્ડિશન નક્કી થશે એ પ્રમાણે તમને પણ કન્વેયન્સ આપવામાં આવશે.’