ઉત્તર પ્રદેશમાં કાળો કેર વર્તાવનારા એન્સેફેલાઇટિસ નામના મગજના રોગનો મુંબઈમાં પણ થયો ફેલાવો

04 November, 2011 09:14 PM IST  | 

ઉત્તર પ્રદેશમાં કાળો કેર વર્તાવનારા એન્સેફેલાઇટિસ નામના મગજના રોગનો મુંબઈમાં પણ થયો ફેલાવો



મચ્છરો દ્વારા ખાસ પ્રકારના વાઇરસથી ફેલાતા જૅપનીઝ એન્સેફેલાઇટિસ પ્રાણઘાતક નીવડી શકે છે. મુંબઈમાં એનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ૨૦૦૮ પહેલાં આ રોગથી એક પણ મૃત્યુ નહોતું થયું, જ્યારે ૨૦૦૮ અને ૨૦૦૯માં કુલ સાત લોકોનાં જૅપનીઝ એન્સેફેલાઇટિસથી મૃત્યુ થયાં હતાં. અન્ય વાઇરલ ઇન્ફેક્શન ફેલાવાથી ૨૦૦૮માં ૪૭, ૨૦૦૯માં ૧૧૦ અને ૨૦૧૦માં ૧૪૨ લોકો મૃત્યુ પામ્યા હતા.

એન્સેફેલાઇટિસ મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે : વાઇરલ, બૅક્ટેરિયલ અને જૅપનીઝ. ત્રીજો પ્રકાર ખૂબ જ પ્રાણઘાતક ગણાય છે, કેમ કે એમાં કરોડરજ્જુમાં પણ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ જાય છે. માત્ર પગ જ નહીં, હાથ-પગનાં સાંધાઓ પણ અચનાક જકડાઈ જાય છે.

આ રોગનાં લક્ષણો પણ ખૂબ અસ્પષ્ટ છે જેને કારણે એનું વહેલું નિદાન શક્ય નથી બનતું. ઊબકા આવે, ઊલટી થાય, કન્ફ્યુઝન થાય, પ્રકાશ સહન ન થાય, આજુબાજુ જે કંઈ થઈ રહ્યું છે એ બાબતે ભ્રાંતિ પેદા થાય જેવાં એનાં પ્રાથમિક લક્ષણો હોય છે. વાઈ આવે, વ્યક્તિ કોમામાં ચાલી જાય કે પછી સભાન હોવા છતાં જાણે કંઈ સમજણ ન પડી રહી હોય એ રીતે બિહેવ કરવા લાગે છે. મગજ પરના સોજાને કારણે માથાનો ભાગ સૂજી જાય છે. બાળકો કારણ વગર રડ્યા કરે અને તેમને ઊંચકવામાં આવે તો વધુ રડે. આવાં લક્ષણો પરથી પણ એનું યોગ્ય નિદાન શક્ય નથી બનતું.