મર્ડર કરતાં પહેલાં વાઇફના અનૈતિક સંબંધો પર નજર રાખવા મહિનાની રજા લીધી

29 October, 2011 09:07 PM IST  | 

મર્ડર કરતાં પહેલાં વાઇફના અનૈતિક સંબંધો પર નજર રાખવા મહિનાની રજા લીધી

 

શિવા દેવનાથ


મુંબઈ, તા. ૨૯

 

પોલીસ-ડિપાર્ટમેન્ટના તાડદેવમાં આવેલા હથિયાર વિભાગમાં કામ કરતા અને મહાકાલી કૅવ્સ પરના પોલીસ ક્વૉર્ટર્સમાં રહેતા ૩૮ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલ શત્રુઘ્ન મેશ્રામે તેની વાઇફના અનૈતિક સંબંધ હોવાની શંકાથી કરેલીહત્યાના કેસની માહિતી આપતાં એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘શત્રુઘ્નને શંકા હતી કે તેની વાઇફ કવિતા  તેનાં માતા-પિતાને મળવા જવાનાં બહાનાં કરીને તેના પ્રેમીને મળવા જતી હતી એથી તેણે કવિતા પર નજર રાખવા એક મહિનાની રજા પણ લીધી હતી. ગુરુવારે રાતે શત્રુઘ્નને તેની બે દીકરીઓ વિશાખા અને સોનાલીની સામે જ કવિતા સાથે આ બાબતે ઝઘડો થયો હતો. શત્રુઘ્ન જ્યારે તેને તેના અનૈતિક સંબંધો વિશે કહી રહ્યો હતો ત્યારે બચાવમાં કવિતાએ એ આક્ષેપો ફગાવી દીધા હતા. તે ઉશ્કેરાઈ ગયો હતો અને કિચનમાં જઈને ચાકુ લઈ આવ્યો હતો અને ગુસ્સામાં કવિતાનાં પેટ, છાતી, અને પીઠમાં આઠ વાર કરી દીધા હતા. દિવાળીના દિવસો હોવાથી બહાર ફટાકડા ફૂટી રહ્યા હતા એટલે કવિતાની ચીસો બહુ સંભળાઈ નહોતી એમ છતાં તેના પાડોશીએ તેની એક ચીસ સાંભળી લીધી હતી. આથી તરત જ પોલીસ-કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. અમારો સ્ટાફ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જોયું કે કવિતા લોહીલુહાણ પડી હતી અને તેની બાજુમાં શત્રુઘ્ન અને બાળકો હતાં. તરત જ કવિતાને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ દાખલ કરતાં પહેલાં જ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અમે શત્રુઘ્નની ધરપકડ કરી હતી.’

કવિતાને પણ અંદાજ હતો કે શત્રુઘ્નને તેના પર શક છે અને આ બાબતે તેણે તેની ફ્રેન્ડ સાથે પણ ચર્ચા કરી હતી. શત્રુઘ્નએ તેને એ માટે તેના પેરન્ટ્સને ત્યાં (લાતુર) જવા પર અને ઘરની બહાર નીકળવા પર મનાઈ ફરમાવી હતી.


એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર દીપક બાગવેએ કહ્યું હતું કે ‘જ્યારથી શત્રુઘ્નને પકડ્યો છે ત્યારથી તેને કોઈ અફસોસ નથી. તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. અમે જ્યારે સ્પૉટ પર પહોંચ્યા ત્યારે તે હથિયાર સાથે જ હતો. તેણે તરત જ ગુનો કબૂલીને સરેન્ડર કરી દીધું હતું. અમને ખબર પડી હતી કે દિવાળી હોવાથી તેમના ઘરમાં મીઠાઈ પણ બનાવવામાં આવી હતી, પણ તેમની વચ્ચે એ દિવસે ઝઘડો થયો અને વાત વણસી ગઈ હતી.’