ભાઇંદર લોકલ માટે પોતાનો જાન ગુમાવનારા શહીદોના સ્મારકની દુર્દશા ને ઉપેક્ષા

20 October, 2011 07:58 PM IST  | 

ભાઇંદર લોકલ માટે પોતાનો જાન ગુમાવનારા શહીદોના સ્મારકની દુર્દશા ને ઉપેક્ષા

 

(પ્રીતિ ખુમાણ)

પાંચ ફેબ્રુઆરી ૧૯૮૫ના રોજ ‘રેલરોકો આંદોલન’માં પોતાનો જીવ ગુમાવી દેનાર શહીદોનું સ્મારક ભાઈંદર-ઈસ્ટના રેલવે-સ્ટેશનની બહાર જ રિક્ષા-સ્ટૅન્ડથી થોડે દૂર બનાવવામાં આવ્યું છે. પોતાનો જીવ લોકોની સેવા માટે ગુમાવનારના યોગદાનની યાદમાં સ્મારકનું નર્મિાણ  તો કરવામાં આવ્યું છે, પણ આ સ્મારકને કેટલી હદ સુધી માન આપવામાં આવે છે એના વિશે સવાલ ઊભો થઈ રહ્યો છે. મીરા-ભાઇંદરના હજારો રેલવે-પ્રવાસીઓની સુવિધા માટે પોતાના પ્રાણ ગુમાવનારાને લોકો ભૂલી ગયા છે.

૧૯૮૫ની ૩૧ જાન્યુઆરીએ ગૌતમ જૈનની અધ્યક્ષતામાં ભાઈંદરના વિકાસ માટે સંઘર્ષ સેવા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. લોકોની જરૂરિયાત તેમ જ સેવા માટે સમિતિ દ્વારા કેટલાય પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં ભાઈંદર-ચર્ચગેટ લોકલ સર્વિસ શરૂ થાય તો લોકોને સૌથી મોટી રાહત મળી રહે અને એ માટે કેટલાય લોકો અનશન પર પણ બેઠા હતા. આ દરમ્યાન ૧૯૮૫ની પાંચમી ફેબ્રુઆરીએ ફાયરિંગ થયું હતું જેમાં ૭ સમર્થકો શહીદ થયા હતા.

આજે ભાઈંદર લોકલ સર્વિસનો લાભ બધા જ પ્રવાસીઓ લઈ રહ્યા છે અને આ લોકલ ન ફક્ત ભાઈંદરના પણ બીજા કેટલાંય સ્ટેશનના પ્રવાસીઓ માટે આર્શીવાદરૂપ છે તો પછી એ શરૂ કરાવવા જેમણે પોતાનો જીવ ગુમાવ્યો એવા શહીદોના માનમાં બનાવવામાં આવેલા સ્મારકનું ધ્યાન રાખવું દરેક નાગરિકની ફરજ બને છે, પણ એમ છતાંય આવા સ્મારકની આજુબાજુ ફેરિયાઓનો કબજો જોવા મળે છે તેમ જ અન્ય લોકો પણ આ સ્મારક પર બેસતા હોય છે.

શહીદોમાં ચાર ગુજરાતી

૧૯૮૫ની પાંચમી ફેબ્રુઆરીએ ફાયરિંગ થયું હતું એમાં ૭ આંદોલનસમર્થકો શહીદ થયા હતા તેમનાં નામ : બસંત શાહ, દત્તારામ આમરે, હિતેશ પરીખ, એલ. કે. શાહ, રશીદ મિયાં, મેઘરાજ જાદવ, મણિલાલ શાહ.