ભારતભરમાં કતલખાનાં બંધ કરાવવા તત્પર ગૌરક્ષાપ્રેમીઓ

17 October, 2011 09:16 PM IST  | 

ભારતભરમાં કતલખાનાં બંધ કરાવવા તત્પર ગૌરક્ષાપ્રેમીઓ

 

 

(પ્રીતિ ખુમાણ)

બોરીવલી, તા. ૧૭

આ ઝુંબેશમાં ૨૧ દિવસ જુદા-જુદા કાર્યક્રમ દ્વારા લોકોમાં પશુહત્યા અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવશે, પણ એની સાથે જીવદયાપ્રેમીઓએ નર્ણિય લઈ લીધો છે કે જ્યાં સુધી ભારતભરમાં કતલખાનાં બંધ નહીં થાય ત્યાં સુધી અમે જંપીશું નહીં અને જરૂર પડી તો દિલ્હી જઈને પણ ધરણાં કરીશું અને જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી હવે આ અભિયાનનો અંત આવશે નહીં.

મુંબઈ ગૌવંશ રક્ષામંચ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ મહાઅભિયાનના એક ભાગરૂપે ગઈ કાલે સવારે નવ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડથી રાજેન્દ્રનગર, હરિદાસનગર, જાંબલી ગલી થઈને બોરીવલી વેસ્ટના પઈનગરમાં મહારૅલી કાઢવામાં હતી. ઉપરાંત પ.પૂ.આ.શ્રી. હર્ષસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્યરત્ન પૂજ્ય મુનિ શ્રી વિરાગસાગરજી મહારાજસાહેબ તેમ જ પૂજ્ય મુનિ શ્રી વિનમ્રસાગરજી મહારાજસાહેબના માર્ગદર્શન હેઠળ આ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજસાહેબે ગઈ કાલની અહિંસા મહારૅલીના અંતે પઈનગર ગ્રાઉન્ડમાં ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં લોકોને પશુહત્યા અટકાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આખી જનસંખ્યા એકસાથે થઈને આવાં મૂંગાં પશુઓ પર થતા અત્યાચારને રોકવા પ્રયત્નશીલ થાય એવું જણાવ્યું હતું.

ગઈ કાલની આ રૅલીમાં મુંબઈના જુદા-જુદા જૈન સંઘો તેમ જ જુદા-જુદા ધર્મ-સંપ્રદાયના લોકો થઈને લગભગ ૬૦૦૦થી ૭૦૦૦ લોકો એકત્રિત થયા હતા, જેમાં મહિલાઓએ પણ આગળ આવીને ભાગ લીધો હતો. દરેક વ્યક્તિના મોઢામાં ફક્ત એક જ વાત હતી કે ભારતભરમાં મૂંગાં પશુઓ પર કેમ અત્યાચાર થાય છે અને કતલખાનાં બંધ કરો.

 

 

પોલીસ ચોકીઓની વ્યવસ્થા

વાડાથી ભિવંડી રોડ, દહિસર ચેકનાકા, મુલુંડ ચેકનાકા, પનવેલ, ગુજરાતથી આવતાં પશુઓ માટે ભિલાડ ચેકનાકા તેમ જ વાશી જેવી જગ્યાઓ પર પોલીસ ચોકીની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને કતલખાને જતી પશુઓની ગાડીઓને રોકવામાં આવશે તેમ જ આ ગાડીઓ વિશે પોલીસને ફરિયાદ કરી પશુઓને ગૌશાળામાં છોડીને એમને નવું જીવન આપવાની જીવદયાપ્રેમીઓ પ્રયત્ન કરશે.

પશુહત્યાની સી.ડી. દર્શાવાશે

પશુઓ પર થતા અત્યાચાર તેમ જ કતલખાનાં વિશેની સીડીઓને જીવદયાપ્રેમીઓ મુંબઈભરની ગુજરાતી, જૈન જેવા વિવિધ ધર્મ-સંપ્રદાયના લોકો રહેતા હોય એવી સોસાયટીમાં ગ્રુપ બનાવીને એનું વિતરણ કરીને લોકોને દેખાડશે અને તેમને જીવરક્ષા માટે પ્રેરિત કરશે. 

આ મહાઅભિયાન વિશે માહિતી આપતાં વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ ગૌરક્ષા મંચ (દહિસર-બોરીવલી) તાલુકાની જવાબદારી સંભાળનાર વિનોદ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતભરમાં પશુઓની હત્યા અટકાવવા તેમ જ કતલખાનાંનો વિરોધ દાખવવા થનારી ઝુંબેશની મુંબઈથી એક શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન ભારતના દરેક

ખૂણે-ખૂણે કરવામાં આવશે. અમારી તો એ પણ માગણી છે કે ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ, કારણ કે આપણે એને આપણી માતા માનીએ છીએ. ઉપરાંત ભારતમાંથી મટનની એક્સર્પોટ સામે પણ અમારો વિરોધ છે.

૨૧ દિવસના વિવિધ કાર્યક્રમો