ગરબા રમવા નહીં, માત્ર દર્શન કરવા માટે રોજ આવતા અઢી લાખ ભક્તો

04 October, 2011 09:16 PM IST  | 

ગરબા રમવા નહીં, માત્ર દર્શન કરવા માટે રોજ આવતા અઢી લાખ ભક્તો

 

 

કાજલ ગોહિલ-વિલ્બેન

થાણે, તા. ૪

થાણેના ટેમ્ભી નાકા પર ૩૫ વર્ષ પહેલાં એક નાનકડા પ્રસંગ તરીકે શરૂ થયેલો નવરાત્રિ ઉત્સવ હવે ૧૦ દિવસના મહાઉત્સવ તરીકે ઊજવાય છે


અનંત ચૌદશે હવન કર્યા બાદ થાણેનાં આ માતાજીના મંડપની સ્થાપના કરવામાં આવે છે. ૩૫ વર્ષથી ટેમ્ભી નાકા પર કરવામાં આવતી માતાજીની મૂર્તિની સ્થાપનાના ઇતિહાસ વિશે શ્રી જય અંબેમા પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી વલ્લભ મજીઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૫ વર્ષ પહેલાં હું મારા મિત્રો સાથે એક નવરાત્રિમાં ગરબારાસ રમવા ગયેલો, પણ ત્યાંના લોકોએ અમને તેમના મંડળના જ લોકો ત્યાં રમી શકે છે એમ કહીને ઝઘડો કરેલો. મેં જ્યારે તેમને કહ્યું કે માતાજીની ગરબી માટે તમે કઈ રીતે ના પાડી શકો? ત્યારે એ વાતે ઝઘડો વધી જતાં તેમણે નવરાત્રિ જ બંધ કરી દીધી હતી. મારા ગિરનારથી આવેલા ગુરુએ મને રસ્તો બતાવતાં કહ્યું હતું કે ટેમ્ભી નાકાના ચોકમાં જ એક માતાજીનો ફોટો મૂક, અગરબત્તી કર અને તારી ગરબી શરૂ કર. બસ, હું ગુરુને માર્ગે ચાલી નીકળ્યો એને આજે ૩૫ વર્ષ થઈ ગયાં. લોકો મારા પ્રયાસને સફળ બનાવતા ગયા એમાં અમને આનંદ દીઘેનો ખાસ સહકાર મળ્યો હતો.’

જોકે આ નવરાત્રિની શરૂઆત થઈ હતી ત્યારે માતાજીની મૂર્તિ બે ફૂટની હતી, જે હવે ૭ ફૂટની છે. લાલબાગચા રાજાની જેમ છેલ્લાં ૧૦ વર્ષથી અંબેમાïની આ મૂર્તિ એકસરખી જ બનાવવામાં આવે છે. ટેમ્ભી નાકાનાં આ માતાજીની બીજી વિશેષતા એ છે કે આ ચોકમાં માતાજીના ગરબા નથી રમાતા. ફક્ત માતાજીનાં દર્શન માટે જ લોકોની મેદની જામે છે અને નવરાત્રિના દસેદસ દિવસ અહીં બજાર ભરાય છે. માતાજીના ગરબા ચોકમાં ન થવાનું કારણ જણાવતાં વલ્લભ મજીઠિયાએ કહ્યું હતું કે ‘અમે શરૂઆત કરી ત્યારે અમારું ફોકસ ફક્ત ગરબી જ હતું, પણ ધીરે-ધીરે એ ઉત્સવમાં ફેરવાઈ જતાં અમે હવે અહીં ફક્ત માતાજીનાં દર્શન જ રાખી શકીએ છીએ. અહીં જગ્યાના અભાવે અમારી નવરાત્રિ થાણે-ઘોડબંદર રોડ પર આવેલી મહાનિકેતન સ્કૂલમાં થાય છે અને ત્યાં ૨૦૦૦ છોકરીઓ ભેગી મળીને બધી વ્યવસ્થા સંભાળે છે. ટેમ્ભી નાકા પર અમે શ્રદ્ધાળુઓ માટે ૨૪ કલાક માતાજીનાં દર્શન માટે સુવિધા કરી છે. પૂજા કરનાર મહારાજ પણ ૨૪ કલાક સેવા માટે હાજર હોય છે. શ્રદ્ધાળુઓની ભીડ દિવસ-રાત વધતી જ રહે છે.’

સામેથી ડોનેશન મળે છે

થાણેની નવરાત્રિની અનેક ખાસિયતોમાં એક એ પણ છે કે શ્રી જય અંબેમા પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટના લોકોએ ઘરે-ઘરે જઈને ડોનેશન નથી માગવું પડતું, લોકો સામેથી આપી જાય છે. વૉલન્ટિયર બનવા માટે પણ લોકો સામેથી ફૉર્મ ભરીને કાર્ડ બનાવી જાય છે અને સેવા માટે હાજર થઈ જાય છે. થાણેનાં આ માતાજીના ભક્તો મહારાષ્ટ્ર પૂરતા સીમિત નથી, દેશભરમાંથી લોકો અંબેમાનાં દર્શન માટે આવે છે.