મુલુંડવાસીઓના મોતના મુકામની પરિસ્થિતિ એકદમ બદ્તર

04 October, 2011 09:10 PM IST  | 

મુલુંડવાસીઓના મોતના મુકામની પરિસ્થિતિ એકદમ બદ્તર

 

 

એટલું ઓછું હોય એમ ડાઘુઓને બેસવા માટેના હૉલમાં મોટા ભાગનાં લાઇટ-પંખા સુધ્ધાં ચાલતાં નથી. ચોંકાવનારી વાત તો એ છે કે ભગવાન શંકરના ધામ તરીકે ઓળખાતા અને સ્વર્ગલોક ગણાતા આ સ્મશાનની આ હાલતથી મુલુંડવાસીઓ જ નહીં પણ ખુદ આ સ્મશાનનું સંચાલન કરતી મુલુંડ નાગરિક સભાના સંચાલકો સુધ્ધાં હેરાન-પરેશાન થઈ ગયા છે.

સ્મશાનની કથળી ગયેલી હાલત બાબતે મુલુંડ-ïવેસ્ટમાં તાંબેનગરમાં રહેતા પરેશ ઠક્કરે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘પંદરેક દિવસ પહેલાં મારા નજીકના સંબંધીનું મૃત્યુ થયું હતું. અમે સ્મશાનમાં પહોંચ્યા અને સામાન્ય રીતે ચિતાને અગ્નિદાહ આપ્યા બાદ સાડાત્રણ-ચાર કલાકમાં મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે ત્યારે તેમના મૃતદેહને સાડાછ કલાકથી પણ વધુ સમય બળવામાં લાગ્યો હતો. એટલે સાથે આવેલામાંથી એક ભાઈએ ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ગોડાઉન હોવા છતાં લાકડાં બહાર ખુલ્લામાં મૂકવામાં આવ્યાં હતાં, જે વરસાદમાં સતત ભીંજાતાં રહ્યાં હતાં એને કારણે લાકડાં આગ નહોતાં પકડતાં, જે અમારા માટે ખરેખર આઘાતજનક હતું.’

 

પરેશ ઠક્કર સાથે સહમત થતાં મુલુંડ-વેસ્ટમાં જ રહેતા વિકી પવાણીએ કહ્યું હતું કે ‘સ્મશાનમાં અંદર જઈએ તો ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. અરે, તમે સ્મશાનમાં જેવા એન્ટર થાઓ ત્યાં સામે જ લાકડાંના ઢગલાની બાજુમાં કચરાનો મોટો ઢગલો પડેલો દેખાય છે. ડાઘુઓને બેસવા માટેના હૉલમાં પણ ભારે ગંદકી હોય છે એટલે તમે ત્યાં બેસી જ ન શકો. અંદર લાઇટ-પંખા પણ નથી ચાલતાં. એટલું ઓછું હોય એમ હાથ-પગ ધોવા માટે પાણીના નળ લાગ્યા છે ત્યાં પણ એટલીબધી ગંદકી હોય છે કે તમને પાણી પીવાનું તો દૂર, હાથપગ ધોવા પણ ન ગમે.’

સ્મશાન બાબતે લોકોની આવેલી ફરિયાદ બાદ મુલુંડ સ્મશાનનું સંચાલન કરતી અને ૧૯૨૪થી કાર્યરત મુલુંડ નાગરિક સભા નામની સંસ્થાના ઉપાધ્યક્ષ પંકજ જગજીવન તન્ïનાએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘લોકો સ્મશાનની હાલતથી હેરાન થઈ ગયા છે, પણ અમે સુધ્ધાં હેરાન થઈ ગયા છીએ, કારણ કે સુધરાઈનો અમને સર્પોટ નથી મળતો. સ્મશાનમાં લાકડાં પૂરાં પાડવાની જવાબદારી સુધરાઈની છે અને એણે આ કામ પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરોને સોંપ્યું છે. સ્મશાનમાં લાકડાં મૂકવા માટે સ્ટોરરૂમ હોવા છતાં તેઓ ત્યાં નહીં મૂકતાં સ્ટોરરૂમની બહાર લાકડાં મૂકે છે અને એ પછી વરસાદમાં ભીંજાઈ જાય છે અને એને કારણે મૃતદેહને સંપૂર્ણ રીતે બળવામાં સાડાપાંચથી છ કલાક અને અમુક વાર એથી પણ વધુ સમય લાગે છે. લાકડાંની જવાબદારી સંપૂર્ણ રીતે આ કૉન્ટ્રૅક્ટરોની અને સુધરાઈની હોવાથી અમે લાકડાંને હાથ લગાડી નથી શકતા. અમે પણ તેમને લાકડાં અંદર સ્ટોરરૂમમાં મૂકવા માટે કહીએ છીએ, પણ તેઓ અમારું સાંભળતાં જ નથી એટલે અમે આ વિશે સુધરાઈમાં અનેક વાર ફરિયાદ સુધ્ધાં કરી આવ્યા છીએ, પણ અમારી ફરિયાદ બાદ કૉન્ટ્રૅક્ટરો સામે પગલાં લેવાને બદલે ઊલટાની સુધરાઈ નોટિસ ફટકારીને અમને જ ર્કોટનાં ચક્કર કપાવે છે તો અમે પણ શું કરી શકીએ?’

સ્મશાનનું સંચાલન કરવું સરળ નથી એવું જણાવતાં પંકજભાઈએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી લાકડાંના ઢગલાની બાજુમાં પડેલી ગંદકીનો તેમ જ ડાઘુને બેસવા માટેના હૉલની સાફસફાઈનો સવાલ છે તો જે દિવસે લાકડાં અંદર મુકાશે અને અહીં સાફસફાઈ કરવા કોઈ માણસ મળશે તો અમે મોંમાગ્યા દામ આપીને વર્કર રાખી દઈશું, પણ પૈસા આપવા છતાં અહીં કામ કરવા કોઈ માણસ તૈયાર જ નથી થતું, તો અમે પણ શું કરીએ?’

મુલુંડના ‘ટી’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડૉ. એસ. આર. હસનાલે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમારી પાસે આ બાબતે ફરિયાદ આવી છે અને એ માટે અમારા અસિસ્ટન્ટ હેલ્થ-ઑફિસરને સ્મશાનભૂમિની વિઝિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમની વિઝિટનો રિપોર્ટ આવ્યા બાદ જ આ વિશે કંઈ કહી શકાશે.’