નવરાત્રિના પહેલે જ દિવસે પાવરપૅક્ડ પર્ફોર્મન્સ

29 September, 2011 08:06 PM IST  | 

નવરાત્રિના પહેલે જ દિવસે પાવરપૅક્ડ પર્ફોર્મન્સ

 



મુલુંડનું કાલિદાસ ગ્રાઉન્ડ સાડાઆઠ વાગ્યે ફુલ થઈ જતાં આયોજકોએ ટિકિટ-કાઉન્ટર બંધ કરવાં પડ્યાં

મુલુંડમાં આયોજિત પ્રેરણા રાસ ૨૦૧૧માં ભાગ લેવા અને માતાજીનાં દર્શન કરવા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા અને વિધાનસભ્ય સરદાર તારા સિંહ આવ્યા હતા. નગરસેવક વિશ્વનાથ મ્હસ્કેએ પણ હાજરી આપી હતી. મુલુંડના નગરસેવક અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા મનોજ કોટકે આ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘ખેલૈયાઓ તો કીર્તિદાન ગઢવી, અર્પિતા ઠક્કર અને દિલેશ દોશીનાં ગીતો પર ઝૂમી જ ઊઠ્યા હતા; પરંતુ કિરીટ સોમૈયા પણ પોતાને રોકી ન શક્યા અને દિલથી નાચ્યા હતા. આ પ્રસંગે જૈન જાગૃતિ સેન્ટર-મુલુંડના ભરત ધામી, કેતનભાઈ, આર. કે.; જૈન સોશ્યલ ગ્રુપના વીરેન શાહ અને દિલીપભાઈ; લોહાણા સ્નેહ મિલનના તરુણ કોઠારી; ઘાટકોપર ગુજરાતી સેવા સમાજના ઉપપ્રમુખ કમલેશ શાહ; ઘાટકોપર જૈન જાગૃતિ સેન્ટર-અમૃતનગરના પ્રમુખ અનિલ દોશી અને જૈન જાગૃતિ
સેન્ટર-ઘાટકોપરના પ્રમુખ જયેન્દ્ર જડિયા ઉપસ્થિત રહ્યા હતા. પહેલો દિવસ વિક્રમસર્જક રહ્યો હતો. ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા અને તેમનો ઉત્સાહ જોઈને કીર્તિદાન ગઢવી, અર્પિતા ઠક્કર તથા દિલેશ દોશીએ એકએકથી ચડિયાતાં ગીતો ગાયાં હતાં.’

પ્રેરણા રાસ ૨૦૧૧ના ગઈ કાલના દિવસનો અનુભવ જણાવતાં વિનર જીનેશ મહેતાએ કહ્યું હતું કે ‘નૉન-સ્ટૉપ એક પણ બ્રેક લીધા વગર અને એક ક્ષણ પણ રોકાયા વગર ભરપૂર જોશથી થનગનાટ સાથે અમે રમ્યા. ઇટ વૉઝ વન્ડરફુલ.’

પ્રેરણા રાસ ૨૦૧૧ના આયોજકોમાંના એક જિજ્ઞેશ ખિલાણીએ કહ્યું હતું કે ‘મુલુંડની આ નવરાત્રિ માટે મુંંબઈભરમાંથી ખેલૈયાઓ આવ્યા હતા. ગુજરાતી અસ્મિતાની પ્રતીક સમી આ નવરાત્રિ પહેલા જ દિવસે સુપરહિટ ગઈ હતી. ટીવી-૯ અને પી૭ ચૅનલ, રાજેશ કૅબલ અને હૅથવે કેબલમાં એનું લાઇવ કવરેજ કરતાં લાખો લોકોએ મુલુંડથી ઘાટકોપર અને પવઈ સુધી એનું ઘેરબેઠાં પ્રસારણ માણ્યું હતું. સાંજે ૭.૩૦ વાગ્યે થયેલી આરતીનું પ્રસારણ જોકે મોટા ભાગની બધી જ ચૅનલોએ કર્યું હતું. પ્રેરણા નવરાત્રિ જે પ્રૉમિસ આપે છે એ પાળે છે. ગઈ કાલે પહેલા દિવસે કલર્સ ચૅનલ પર આવતી ‘બાલિકા વધૂ’ સિરિયલનાં જગદીશ આનંદી અને ગૌરી આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ મુલુંડથી લઈને ઘાટકોપર અને સાંતાક્રુઝથી લઈને માનખુર્દ, પવઈ હીરાનંદાની સુધી કરવામાં આવ્યું હતું.’