માત્ર એક દિવસ ગરબે ઘૂમતું ઘાટકોપરનું મહિલા વૃંદ

29 September, 2011 08:02 PM IST  | 

માત્ર એક દિવસ ગરબે ઘૂમતું ઘાટકોપરનું મહિલા વૃંદ

 

 

- કાજલ ગોહિલ-વિલ્બેન

ઘાટકોપર, તા. ૨૯

ચાલીસી વટાવી ચૂકેલી ૧૫ મહિલાઓનું આ જૂથ સ્વર-ગુંજન મંડળની સ્થાપના કરીને સતત સાત વર્ષથી ગરબે ઘૂમીને પોતાનો શોખ પૂરો કરે છે

સામાન્ય રીતે લોકો જ્યારે ચાલીસી વટાવે કે તેમની એક પછી એક જવાબદારીઓ પૂરી થવા લાગે છે. બાળકોનું ભણતર, લગ્ન પછી આ ઉંમરે સમય પસાર કરવા શું કરવું એ મહિલાઓ માટે મોટો સવાલ બની રહે છે. ઘાટકોપરની કેટલીક મહિલાઓએ આ સવાલના જવાબરૂપે અને પોતાના સુગમ સંગીત પ્રત્યેના પ્રેમને પોષવા માટે કાનજીભાઈ પટેલ પાસેથી સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું અને એના ફળસ્વરૂપે સ્થાપના થઈ સખી સ્વર ગુંજન મંડળની, જેના વિશે ‘મિડ-ડે’ને જણાવતાં આ ગ્રુપનાં કૉમ્પેર ગીતા ગાલાએ કહ્યું હતું કે ‘અમારા ગુરુ કાનજીભાઈ ૭-૮ના ગ્રુપમાં અલગ-અલગ લોકોને ત્યાં અમને સંગીત શીખવાડતા. ૧૧ વર્ષ પહેલાં અમારી આવી જ રીતે મુલાકાત થઈ અને અમારા વિચારો મળતાં અમે સખી સ્વર ગુંજન મંડળની સ્થાપના કરી. આ એક નૉન-પ્રૉફિટેબલ સંસ્થા છે, જેમાં અમે ૧૫ સ્ત્રીઓ મળીને અમારા આનંદ માટે જ ગાઈએ છીએ. સમય રહેતાં અમને એમ પણ જણાયું કે અમને બધાને સામાન્ય ગુજરાતીની જેમ ગરબે ઘૂમવાનો બહુ શોખ છે, પરંતુ અમારી ઉંમરે અમને બાકીનાં જુવાનિયાંઓ સાથે બધાની સામે રમતાં શરમ આવે. એથી અમે ફક્ત અમારા (સ્ત્રીઓ) માટે એક દિવસની નવરાત્રિનું આયોજન કર્યું, જેમાં પહેલા જ વર્ષે અમને ખૂબ જ પ્રોત્સાહન મળતાં અમે દર વર્ષે‍ એક દિવસના રાસ-ગરબાનું આયોજન કરીએ છીએ અને આજે આઠમું વર્ષ છે એને.’

ઘાટકોપરના જૉલી જિમખાનામાં આજે થનારી સખી સ્વર ગુંજનની એક દિવસની નવરાત્રિમાં ભાગ લેનારાની સંખ્યા દર વર્ષે‍ વધતી જાય છે. દર સોમવારે સુગમ સંગીતના ક્લાસમાં નિયમિતપણે પહોંચી જતી સખી સ્વર ગુંજનની મહિલાઓ માટે તેમનું એકબીજાને મળવું એક મેડિટેશન સમાન છે, જેને લીધે તેઓ અઠવાડિયું આખું જોશમાં રહે છે. સખી સ્વર ગુંજન સંસ્થા અને તેમની સખીઓ વિશે જણાવતાં અલકા મહેતાએ કહ્યું હતું કે ‘મારા જેવી કેટલીક ડૉક્ટરની પત્નીઓ તો કેટલીક કેમિકલ ઇન્ડસ્ટિÿયલિસ્ટની પત્નીઓ અમારા ગ્રુપમાં છે જે પોતાના પતિને પણ કામમાં મદદ કરે છે. અમે લોકોના ઘરે સંગીતમાં કે લગ્નમાં ગુજરાતી ગીતો ગાવા ઉપરાંત દર બે-ત્રણ મહિને અમારા પોતાના સુગમ સંગીતના કાર્યક્રમોનું આયોજન કરતાં રહીએ છીએ, જેમાં અમે માત્ર ઑર્કેસ્ટ્રાના જ પૈસા ચાર્જ કરીએ છીએ અને અમે જ ગાઈએ છીએ.’


ગીતા ગાલા અને અલ્ાકા મહેતા ઉપરાંત આ ગ્રુપમાં કલ્પના સંઘવી, રશ્મિ દલાલ, જયશ્રી મહેતા, રાજુલ ગોસલિયા, રૂપા મહેતા, શેફાલી ટોલિયા, જેલી ટોલિયા, ઉષ્મા શાહ, તૃષા શાહ, પ્રક્ષા દાવડા, જાગૃતિ ભટ્ટ અને દીપ્તિ શાહનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાંક સાસુ તો કેટલાંક દાદી બની ગયાં છે, પણ પોતાના અંદરના બાળપણને આ એક દિવસની નવરાત્રિમાં મન મૂકીને માણે છે જેમાં તેમના પતિ અને સંતાનો તેમને પૂરો સહકાર આપે છે.