વસઈ ગામનું ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર

29 September, 2011 07:37 PM IST  | 

વસઈ ગામનું ઐતિહાસિક મહાલક્ષ્મી મંદિર

મંદિર બન્યું ત્યારથી જ અશ્વિનભાઈના પૂર્વજો મંદિરમાં પૂજાકાર્ય કરતા આવ્યા છે. આજે આઠમી પેઢીએ અશ્વિનભાઈ આ કાર્ય સંભાળી રહ્યા છે.

મૂળ ખંભાતના ઔદીચ્ય બ્રાહ્મણ અશ્વિનભાઈ કહે છે કે ‘ચીમાજી આપ્પા જ્યારે વસઈનો કિલ્લો સર કરવા આવ્યા ત્યારે વજ્રેશ્વરીમાં માતાના આર્શીવાદ લેતી વેળા માનતા રાખી હતી કે જો મને ફતેહ મળશે તો હું તારું કિલ્લા જેવું મંદિર વસઈ ગામમાં બનાવીશ. જોકે જીત મેળવ્યા બાદ તેમણે વસઈનાં બધાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા બાદ આ મંદિરનું નર્મિાણકાર્ય શરૂ કર્યું.’

મંદિરની દીવાલ જ અઢી ફૂટની છે. જોકે આજે એ જૂના મંદિરની માતાજીની મૂર્તિ જ જૂની છે, બાકી મંદિરની દીવાલોની અંદર-બહારની બાજુ નવી ટાઇલ્સ ફિટ કરવામાં આવી છે. પૂજારી અશ્વિનભાઈનો દાવો છે કે મંદિરની પૂરી માહિતી પુણેસ્થિત આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટમાંથી મળી શકે છે. તેમનું કહેવું છે કે ભારત આઝાદ થયું ત્યારથી મંદિરને દર વરસે સાલિયાણું મળતું, પણ એ રકમ એટલી નાની રહેતી કે છેલ્લાં દસેક વરસથી એ લેવાનું જ બંધ કરી દીધું છે.

વસઈ આમ તો નાનકડું ગામ કહી શકાય, પણ અત્યારે એનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આમ છતાં નવરાત્રિમાં અહીં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓની સાથે અનેક જણ માનતા માનવા કે પૂરી થઈ હોય તો એ પૂરી કરવા આવતા હોય છે. મંદિરમાં વરસમાં માગશર માસ, ચૈત્રી નવરાત્રિ, નવરાત્રિ અને દિવાળીમાં ભક્તોની ભીડ થતી હોય છે. નવરાત્રિમાં તો વહેલી પરોઢના સાડાત્રણ વાગ્યે મંદિર ખૂલે અને પ્રથમ અભિષેકથી શરૂઆત થાય. દિવસભર વિવિધ પૂજાઅર્ચના થયા બાદ છેક રાત્રે અગિયાર વાગ્યે દર્શન બંધ થાય છે.