શુક્રવાર સુધી ગેરકાયદે બાંધકામો નહીં તૂટે તો રહેવાસી અશ્વિન દાવડાની અનશન પર બેસવાની ચેતવણી

27 September, 2011 07:55 PM IST  | 

શુક્રવાર સુધી ગેરકાયદે બાંધકામો નહીં તૂટે તો રહેવાસી અશ્વિન દાવડાની અનશન પર બેસવાની ચેતવણી

 

ઉપવાસ પર બેસવા તેમણે સુધરાઈ અને પોલીસ પાસે મંજૂરી સુધ્ધાં માગી છે, જોકે સુધરાઈએ તેમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.


આ સંદર્ભમાં અશ્વિન દાવડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી આમંત્રણ નામની દુકાને ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા અમે છેક ૨૦૦૮થી સુધરાઈને ફરિયાદ કરી રહ્યા છે, પણ અમારી ફરિયાદ બહેરા કાને અથડાઈ રહી છે. એટલે કંટાળીને મેં સુધરાઈને ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદત આપી છે. ત્યાં સુધીમાં આમંત્રણ દુકાન સહિત એની આજુબાજુ આવેલી દુકાનોનાં ગેરકાયદે બાંધકામ હટાવે નહીં તો હું સુધરાઈની મુલુંડની ‘ટી’ વૉર્ડની ઑફિસ સામે જ ૩૦ સપ્ટેમ્બર બાદ અનશન પર ઊતરી જઈશ. સુધરાઈની ‘ટી’ વૉર્ડની ઑફિસ સામે અનશન પર બેસવાની અને સ્ટેજ બાંધવાની મેં સુધરાઈ પાસે અને પોલીસ-સ્ટેશન પાસેથી મંજૂરી માગી છે.’


ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના અશ્વિન દાવડાના આરોપો સામે આમંત્રણ દુકાનના માલિક અને તેરાવાલા બિલ્ડિંગના કો-ઓનર વસંતજી કારિયાએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘અમે દુકાનમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની જો ફરિયાદ થઈ હોય અને સુધરાઈ એની સામે ઍક્શન લેવા માગતી હોય તો મને વાંધો નથી, પણ એ પહેલાં સુધરાઈ બિલ્ડિંગનો મૂળ પ્લાન લઈ આવે. પ્લાન મુજબ જે થવાનું હોય એ થવા દો. ન્યાય બધાને મળવો જોઈએ. જો પ્લાનમાં અમારું બાંધકામ ગેરકાયદે હોય અને એવું પુરવાર થતું હોય તો હું કોઈ વિરોધ નહીં કરું, પણ હું સાચો હોઉં તો મારી સાથે ન્યાય થવો જોઈએ.’


અશ્વિન દાવડાની ગેરકાયદે બાંધકામ કરી હોવાની ફરિયાદ તેમ જ અનશન પર ઊતરી જવાની ધમકી બાબતે મુલુંડના ‘ટી’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડૉ. એસ. આર. હંસનાલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અશ્વિન દાવડાને અનશન પર બેસવાની અમે મંજૂરી નથી આપવાના, કારણ કે તેમના બિલ્ડિંગમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ બાબતે તેમણે લેખિતમાં ફરિયાદ કર્યા બાદ અમે એનો સર્વે કરાવ્યો હતો અને એ મુજબ અનઑથોરાઇઝ્ડ બાંધકામને અમે હટાવી દીધું હતું. હજી થોડું કામ બાકી છે. એના પર પણ ટૂંક સમયમાં સર્વે થયા બાદ ગેરકાયદે બાંધકામ તોડી પાડીશું.’