22 July, 2025 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બ-બ્લાસ્ટ
૧૮૯ મુંબઈગરાઓનો જીવ લેનાર અને અનેકને ઘાયલ કરનાર મુંબઈની લોકલ ટ્રેનમાં કરાયેલા ૭ સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટના કેસની તપાસ મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ કરી હતી. બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદાથી તેમને આંચકો લાગ્યો છે. ATSએ એની રજૂઆતમાં કહ્યું હતું કે આરોપીઓ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI)ના સભ્ય હતા અને તેમણે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના સહયોગ સાથે આ સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું અને એને અંજામ આપ્યો હતો. સ્પેશ્યલ કોર્ટે પાંચ આરોપીઓને ફાંસીની સજા આપી હતી અને અન્ય સાત આરોપીઓને આજીવન કારાવાસની સજા આપી હતી. એ સજા ફેરવી એટલું જ નહીં, આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદામાં કેટલાક મહત્ત્વના પૉઇન્ટ નોંધ્યા હતા...
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની સ્પેશ્યલ બેન્ચે તેમના ચુકાદામાં કહ્યું હતું કે ‘બધા જ આરોપીઓનાં સ્ટેટમેન્ટ કૉપી કરેલાં લાગી રહ્યાં છે એથી એને ગણતરીમાં ન લઈ શકાય. બીજું, આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમની પાસેથી એ સ્ટેટમેન્ટ બળજરીથી લેવા તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. વળી એ એસ્ટૅબ્લિશ કરવામાં તેઓ સફળ રહ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદપક્ષ એ પણ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો કે કયા પ્રકારના બૉમ્બ આ બ્લાસ્ટ કરવામાં વાપરવામાં આવ્યા હતા. એ માટે તેમણે જે પુરાવા આપ્યા હતા એ આરોપીઓને સજા કરવા પૂરતા નહોતા.’
કોર્ટે ૬૭૧ પાનાંના એના ચુકાદામાં કહ્યું હતું કે ‘લોકોની સુરક્ષિતતા જાળવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા ગુનેગારને સજા આપવી એ કાયદાનો નિયમ છે, પણ આરોપીઓને ઊભા કરીને એવો ખોટો દેખાવ કરવો કે અમે કેસ સૉલ્વ કરી લીધો છે એ ગેરમાર્ગે દોરનારું છે. આમ આ કેસ ઉકેલી નાખવાના આ ભ્રામક દાવાના કારણે લોકોના વિશ્વાસને ઠેસ પહોંચે છે અને સમાજમાં ખોટાં આશ્વાસન જાય છે. જોકે હકીકત એ છે કે જે ખરેખર જોખમ છે એ તો એમ ને એમ જ ઊભું રહે છે એવું આ કેસ જોતાં જણાય છે. સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ અને આરોપીઓ પાસેથી જે
રિકવરી કરવામાં આવી છે એની પુરાવા તરીકે કોઈ કિંમત નથી. ફરિયાદપક્ષ એ પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ ગયો છે કે આરોપીઓએ આ બ્લાસ્ટ કર્યા છે.’
|
બ્લાસ્ટ ક્યાં થયો |
કેટલા વાગ્યે થયો |
|
ખાર-સાંતાક્રુઝ |
૬.૨૪ |
|
બાંદરા–ખાર |
૬.૨૪ |
|
જોગેશ્વરી |
૬.૨૫ |
|
માહિમ |
૬.૨૬ |
|
મીરા રોડ-ભાઈંદર |
૬.૨૯ |
|
માટુંગા-માહિમ |
૬.૩૦ |
|
બોરીવલી |
૬.૩૫ |
બીજું શું-શું કહ્યું બૉમ્બે હાઈ કોર્ટે?
કોર્ટે એ ઉપરાંત ATS દ્વારા કરાયેલી બેદરકારીભરી તપાસ પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘મહત્ત્વના સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ લેવાયાં નથી. એ સિવાય બૉમ્બ બનાવવા વપરાયેલી જે આઇટમો રિકવર કરવામાં આવી છે જેમ કે એક્સપ્લાેઝિવ્સ કે પછી સર્કિટ બોર્ડ એ બધાના રેકૉર્ડ અને સાચવણી, પૅકિંગ એ બધું જ બહુ ખરાબ રીતે કરવામાં આવ્યું હતું અને સીલ કરાયું હતું.’
ફરિયાદપક્ષ એ પણ રેકૉર્ડ પર લાવવામાં નિષ્ફળ ગયો છે કે બૉમ્બ કયા પ્રકારના હતા એમ જણાવતાં કોર્ટે કહ્યું કે ‘આરોપી સામે ગુનો પુરવાર કરવા ફક્ત પુરાવા ભેગા કરી લેવા પૂરતું નથી હોતું. આરોપીઓનાં જે સ્ટેટમેન્ટ છે એ તેમના પર બળજબરી કરી, તેમને ટૉર્ચર કરીને લેવામાં આવ્યાં હોય એવું લાગે છે. એ અધૂરાં પણ છે અને સાચાં પણ નથી.’
કોર્ટે ATSને ખખડાવતાં કહ્યું હતું કે ‘તમારા દ્વારા આરોપીઓના કબૂલાતનામાના સ્ટેટમેન્ટ લેતી વખતે કે એ પહેલાં આરોપીઓને લીગલ અસ્ટિસ્ટન્સ મળે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. એ કન્ફેશનલ સ્ટેટમેન્ટ પણ બરાબર નથી. એમાં ઘણી બાબતો પર ચોખવટ કરવામાં આવી નથી. એવું ઘણા કેસમાં જણાઈ આવ્યું છે કે પોલીસ કબૂલાતનામું લેવા ગેરકાયદેસરના અનુચિત ઉપાય અજમાવે છે, જે માટે ટૉર્ચરનો પણ સમાવેશ થાય છે.’
કોર્ટે એ સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ અને પુરાવા પણ સત્યથી વેગળાં હોવાનું નોંધ્યું હતું, જેમાં એ ટૅક્સી-ડ્રાઇવરનો સમાવેશ થતો હતો જેણે કહ્યું હતું કે તે આરોપીઓને સ્ટેશન સુધી મૂકવા ગયો હતો. એવા પણ સાક્ષી હતા કે જેમનું કહેવું હતું કે તેમણે આરોપીઓને બૉમ્બ મૂકતા જોયા હતા, તેમણે બૉમ્બ એસેમ્બલ કરતા હતા એ પણ જોયું હતું અને એવા પણ સાક્ષીઓ હતા કે જેમનું કહેવું હતું કે તેમણે કાવતરું ઘડવાની મીટિંગો થતી જોઈ હતી.
કોર્ટે એ પણ નોંધ્યું છે કે આ કેસના આરોપીઓ પર મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) ન લાગી શકે; એ લગાડતી વખતે મગજનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, લગાડવા ખાતર લગાડી દેવાયો છે.
કેસની ટાઇમલાઇન
૧૧ જુલાઈ ૨૦૦૬ઃ મુંબઈની વેસ્ટર્ન લાઇનની ૭ લોકલ ટ્રેનના ફર્સ્ટક્લાસના ડબ્બામાં સાંજે ૭ બૉમ્બ-બ્લાસ્ટ થયા હતા જેમાં ૧૮૯ લોકોનાં મોત થયાં હતાં અને ૮૨૪ લોકો ઘાયલ થયા હતા.
૧૧ જુલાઈ ૨૦૦૬ઃ ૭ અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો એ પછી એ બધા ક્લબ કરીને એની તપાસ ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ શરૂ કરી.
જુલાઈ-આૅગસ્ટ ૨૦૦૬: આ કેસ સાથે સંકળાયેલા ૧૩ જણની ATSએ ધરપકડ કરી.
૩૦ નવેમ્બર ૨૦૦૬: કુલ ૩૦ આરોપીઓમાં ૧૩ પાકિસ્તાનીઓને બ્લાસ્ટ માટે જવાબદાર ઠેરવી તેમની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી. કેસના ઘણા આરોપીઓ વૉન્ટેડ છે.
૨૦૦૭ઃ કેસની ટ્રાયલ શરૂ કરવામાં આવી.
૧૯ ઑગસ્ટ ૨૦૧૪ઃ ટ્રાયલ પૂરી થઈ. સ્પેશ્યલ કોર્ટે ૧૩ આરોપીઓ સામેનો ચુકાદો રિઝર્વ રાખ્યો.
૧૧ સપ્ટેમ્બર ૨૦૧૫ઃ સ્પેશ્યલ કોર્ટે ૧૩માંથી ૧૨ આરોપીઓને દોષી ઠેરવ્યા, એક આરોપીને તેની સામે પુરાવા ન હોવાથી છોડી મૂક્યો.
૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ઃ સ્પેશ્યલ કોર્ટે પાંચ ગુનેગારોને ફાંસીની સજા સંભળાવી, બાકીના ૭ ગુનેગારોને આજીવન કારાવાસની સજા આપી.
આૅક્ટોબર ૨૦૧૫: મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈ કોર્ટમાં પાંચ ગુનેગારોને આપવામાં આવેલી ફાંસીની સજા કન્ફર્મ કરવા અપીલ કરી. સામા પક્ષે ૧૨ આરોપીઓએ વ્યક્તિગત રીતે સ્પેશ્યલ કોર્ટના ચુકાદા અને તેમને ફટકારવામાં આવેલી સજાને પડકારતી અપીલ હાઈ કોર્ટમાં કરી.
૨૦૧૫થી ૨૦૨૪ઃ બૉમ્બે હાઈ કોર્ટના અલગ-અલગ જસ્ટિસની બેન્ચ સામે અપીલ કરવામાં આવતી રહી.
જૂન ૨૦૨૪ઃ ફાંસીની સજા પામેલા એહતેશામ સિદ્દીકીએ તેની અપીલની સુનાવણી ઝડપથી કરીને વહેલી તકે નિવેડો લાવવામાં આવે એ માટે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
જુલાઈ ૨૦૨૪ઃ હાઈ કોર્ટે સુનાવણી માટે જસ્ટિસ અનિલ કિલોર અને શ્યામ ચાંડકની સ્પેશ્યલ બેન્ચની નિમણૂક કરી.
૧૫ જુલાઈ ૨૦૨૪: સ્પેશ્યલ બેન્ચે અપીલની સુનાવણી દરરોજ રાખી.
૩૧ જાન્યુઆરી ૨૦૨૫ઃ સ્પેશ્યલ બેન્ચે સુનાવણી પૂરી કરી અને એના પર આદેશ આપવાનું ઠરાવ્યું.
૨૧ જુલાઈ ૨૦૨૫ઃ બ્લાસ્ટનાં ૧૯ વર્ષ બાદ બૉમ્બે હાઈ કોર્ટે ૧૨ કેસના ૧૨ આરોપીઓને એમ કહીને છોડી મૂક્યા કે પ્રોસિક્યુશન તેમણે જ આ બ્લાસ્ટ કર્યા હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ ગયું છે એથી એ માનવું કે આ જ આરોપીઓએ બ્લાસ્ટ કર્યા છે એ મુશ્કેલ છે.