લોકોના પેટનું પાણીયે હલ્યું નથી

24 May, 2023 10:01 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

નોટબંધી વખતે બૅન્કોની બહાર લાંબી લાઇનો લાગી હતી. એનાથી એકદમ ઊલટું ગઈ કાલે ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થઈ ત્યારે જાણે કંઈ થયું જ ન હોય એવો માહોલ બૅન્કોમાં જોવા મળ્યો

એસબીઆઈ બેન્ક

૮ નવેમ્બર ૨૦૧૬. આ દિવસ આપણે ક્યારેય નહીં ભૂલીએ. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાતના આઠ વાગી ને પંદર મિનિટે ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ દેશભરમાં નોટબંધીને લઈને હાહાકાર મચી ગયો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બાદમાં ૨,૦૦૦, ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ રૂપિયાની નવી નોટો છાપીને ઉપલબ્ધ કરાવી હતી. આરબીઆઇએ હવે ૨,૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે અને ગઈ કાલથી લોકો બૅન્કોમાં જઈને આવી નોટ બદલી શકે એની શરૂઆત થઈ હતી, પરંતુ ગઈ કાલે નોટ બદલવા માટેના પહેલા દિવસે મોટા ભાગની બૅન્કોની અંદર કે બહાર લોકોની ભીડ જોવા નહોતી મળી. જાણે ૨,૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવા જેવી કોઈ જાહેરાત જ ન કરાઈ હોય એમ લોકોના પેટનું પાણીયે હલ્યું નથી એવો માહોલ જોવા મળ્યો હતો.

મીરા-ભાઈંદરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા જેવી નૅશનલાઇઝ્ડ બૅન્કથી માંડીને મૉડલ કો-ઑપરેટિવ જેવી લોકલ બૅન્કો આવેલી છે. રિઝર્વ બૅન્કની જાહેરાત મુજબ ગઈ કાલથી ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થઈ હતી.

મીરા રોડમાં શાંતિ પાર્ક વિસ્તારમાં આવેલી એચડીએફસી બૅન્કમાં ગઈ કાલે નોટ બદલવા માટે લોકોનો ધસારો જોવા નહોતો મળ્યો. જોકે અહીંના એક કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨,૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની આરબીઆઇએ જાહેરાત કર્યાના ગઈ કાલના પહેલા સોમવારે લોકોની થોડી ભીડ અહીં જામી હતી. અમને ખ્યાલ હતો કે લોકોનો ધસારો રહેશે એટલે અમે વધારાનું એક કાઉન્ટર અરેન્જ કર્યું હોવાથી બહુ વાંધો નહોતો આવ્યો. આજે સવારે અમુક લોકો નોટ બદલવા આવ્યા હતો, પણ લોકોની ભીડ જરાય નથી થઈ. બીજું, જેમનાં અકાઉન્ટ અમારી બૅન્કમાં છે તેમની પાસેથી કોઈ આઇડી પ્રૂફ નથી લેતા. જેમનાં અકાઉન્ટ નથી તેમને નોટ બદલવાના ફૉર્મ સાથે પૅન અને આધાર કાર્ડ જોડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.’

મીરા રોડમાં સૃષ્ટિમાં આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કમાં બે દિવસથી સર્વર જ ડાઉન છે એટલે અહીં નોટ બદલવા આવનારાઓને બીજી બ્રાન્ચમાં જવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ બૅન્કના સ્ટાફના કહેવા મુજબ નોટબંધી જેવો લોકોનો ધસારો અહીં જોવા નથી મળ્યો.

મીરા રોડના શાંતિ પાર્કમાં આવેલી બૅન્ક ઑફ ઇન્ડિયામાં ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે એકલદોકલ લોકો જ આવ્યા હોવાનું બૅન્કના સ્ટાફે કહ્યું હતું. બૅન્ક દ્વારા લોકોનો ધસારો થાય તો પહોંચી વળવાની તૈયારી રાખવામાં આવી હતી, પરંતુ ગણ્યાગાંઠ્યા લોકો જ ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા કે તેમના અકાઉન્ટમાં જમા કરાવવા પહોંચ્યા હતા.

ભાઈંદર-વેસ્ટમાં નગર ભવનની સામે આવેલી એસબીઆઇની બ્રાન્ચમાં પણ સામાન્ય દિવસ જેવો જ માહોલ જોવા મળ્યો હતો. સવારથી બપોરના લંચ સુધી અહીં ગણ્યાગાંઠ્યા લોકો જ ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા કે તેમના અકાઉન્ટમાં જમા કરવા આવ્યા હોવાનું અહીના સ્ટાફે કહ્યું હતું.

ભાઈંદરમાં જ એસબીઆઇ બૅન્કથી થોડા અંતરે આવેલી મોડલ કૉ-ઑપરેટિવ બૅન્કમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા કે પોતાના અકાઉન્ટમાં આ ચલણી નોટ ડિપોઝિટ કરવા માટે ધસારો રહેવાની શક્યતા હતી. બૅન્ક દ્વારા આ માટેની વ્યવસ્થા પણ કરી હતી, પરંતુ અહીં પણ પહેલા દિવસે એકલદોકલ લોકો જ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news demonetisation prakash bambhrolia