૨૦૦૦ કરોડની રિયલ એસ્ટેટ ક્ષેત્રની રાહત પસંદગીના બિલ્ડરો માટે​:દેવેન્દ્ર

28 December, 2020 08:51 AM IST  |  Mumbai | Dharmendra Jore

૨૦૦૦ કરોડની રિયલ એસ્ટેટ ક્ષેત્રની રાહત પસંદગીના બિલ્ડરો માટે​:દેવેન્દ્ર

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને દીપક પારેખ કમિટીની ભલામણોનો ઉપયોગ જૂજ બિલ્ડર્સના લાભાર્થે કરવાની તજવીજ વિશે ચર્ચા કરી છે.

દીપક પારેખ કમિટીની ભલામણોના ઓઠામાં કોરોના રોગચાળાને નામે રિયલ એસ્ટેટને રાહતો આપવાને નામે રાજ્ય સરકાર પસંદગીના બિલ્ડર્સને ૨૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા ઉત્સુક હોવાનો આરોપ બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે મૂક્યો હતો. અગાઉ રાજ્ય સરકારના પ્રધાન મંડળની બેઠકમાં કૉન્ગ્રેસે રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહતોની દરખાસ્તને અટકાવી હતી.
બીજેપીના નેતા અને રાજ્યની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘દીપક પારેખ કમિટીની ભલામણોનો અમલ ‘સગવડિયા પદ્ધતિ’એ કરવામાં આવે છે. આ પક્ષપાતભર્યા સ્વાર્થી વલણની શી અસર થશે એનું રાજ્ય સરકારને ભાન નથી. રાજ્ય સરકારને નાણાકીય નુકસાનની પરવા કર્યા વગર ચુનંદા બિલ્ડર્સ-ડેવલપર્સને લાભ કરાવવા ચોક્કસ સ્થાપિત હિતો એકજૂટ થઈ ગયાં હોય એવું જણાઈ રહ્યું છે.’
દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ પ્રકારની હિલચાલોનો ઉલ્લેખ કર્યો હતો. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે ‘પોતાની માલિકીના કે જેમાં ભાગીદારી હોય એવા ભૂખંડોમાં ૭૦ ટકા જેટલો ઘટાડો થાય એ રીતે અલગ-અલગ અને પૂર્વગ્રહયુક્ત રીતે રેડી રેકનરમાં ફેરફારો કરવાનું કાવતરું ઘડાયું છે. પદ્ધતિસર રીતે ચોક્કસ બિલ્ડર્સને લાભ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંડળની છેલ્લી બેઠકમાં આ બાબતની દરખાસ્ત આગામી બેઠક સુધી અનિર્ણિત રાખવામાં આવી હતી.

dharmendra jore mumbai mumbai news devendra fadnavis