પબ પરની રેઇડમાં પકડાયેલા ૩૫૦ જણ ધક્કામુક્કી કરીને નાસી ગયા

28 October, 2012 04:45 AM IST  | 

પબ પરની રેઇડમાં પકડાયેલા ૩૫૦ જણ ધક્કામુક્કી કરીને નાસી ગયા



સાઉથ મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં આવેલા લિવ પબમાં ઝોન એકની સ્પેશ્યલ સ્ક્વૉડે શુક્રવારે મોડી રાતે રેઇડ પાડીને સાત યુવતીઓ સહિત ૨૧ યુવાનોની તથા પબના માલિક અને મૅનેજરની ધરપકડ કરી હતી. આ રેઇડમાં સ્ક્વૉડે ૩૫૦ યુવાનોને પણ તાબામાં લીધા હતા, પણ તેમની પૂછપરછ કરતી વખતે આ યુવાનો વચ્ચે ઝઘડા અને ધક્કામુક્કી થતાં તેઓ નાસી ગયા હતા. જોકે પોલીસે એમાંથી ૧૪ યુવકો અને સાત યુવતીની ધરપકડ કરી હતી. આ યુવાનોના ગ્રુપમાં ફિલ્મી હસ્તીઓ અને વિદેશીઓ પણ હતાં. તેમને એમઆરએ પોલીસ-સ્ટેશનના તાબામાં સોંપવામાં આવ્યાં હતાં. આ યુવાનોને શોધી કાઢવા હાલમાં પોલીસે પબમાં લગાવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે.

શુક્રવારે રાતે પોણાબે વાગ્યે લિવ પબમાં પચીસ પોલીસ-અધિકારીઓએ રેઇડ પાડી હતી. પબમાં પાર્ટી ઘણી જોરમાં ચાલી રહી હતી, લોકો દારૂ પી રહ્યા હતા અને મ્યુઝિક પણ લાઉડ હતું. એમઆરએ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ‘અમે ૨૧ યુવાનોની ભીડ એકઠી કરવાના અને પબના માલિક તથા મૅનેજરની અધિકૃત કલાકો પછી પબ ચાલુ રાખવાના આરોપસર ધરપકડ કરી હતી.’

પોલીસે તાબામાં લીધેલા યુવાનોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘પોલીસે અમારી સાથે ગેરવર્તન કર્યું હતું. અમુક પોલીસ-અધિકારીઓએ લાકડીથી અમારી મારપીટ કરી હતી. મહિલા-કૉન્સ્ટેબલે યુવતીઓની પણ મારપીટ કરી હતી.’

એક યુવકે કહ્યું હતું કે ‘પબમાં ડ્રગ્સ નહોતું. અમે ફક્ત દારૂ પી રહ્યા હતા અને અમારી પાસે લાઇસન્સ પણ હતું, પણ પોલીસે અમારી વાત સાંભળી નહોતી. પોલીસે અમને સવારે સાડાચાર વાગ્યે છોડી દીધા હતા.’

એક પોલીસ-ઑફિસરે પોતાના બચાવમાં કહ્યું હતું કે પબમાં ઘણા લોકોએ દારૂ પી રાખ્યો હતો અને તેઓ ધક્કામુક્કી કરી રહ્યા હતા એટલે તેમની સામે અમારે કાર્યવાહી કરવી પડી હતી.

એમઆરએ = માતા રમાબાઈ આંબેડકર