મંદિરમાં આગ લગાડાઈ હતી, બેની ધરપકડ

29 December, 2020 12:08 PM IST  |  Mumbai | Samiullah Khan

મંદિરમાં આગ લગાડાઈ હતી, બેની ધરપકડ

સાંઈમંદિરમાં આગ લગાડીને ત્રણ જણની હત્યા કરવાના આરોપસર પકડાયેલો આરોપી ચારકોપ પોલીસ સાથે

ચારકોપના બંદર પખાડી પાટીલ નગરના સાંઈબાબા મંદિરમાં રવિવારે પરોઢિયે લાગેલી આગમાં ૩ જણ જીવતા ભૂંજાઈ ગયા હતા. એ કેસની તપાસ કરી રહેલી ચારકોપ પોલીસે શોધી કાઢ્યું હતું કે એ આગ લાગી નહોતી, લગાડવામાં આવી હતી. જૂની અદાવતને લઈને આરોપીએ તે લોકોનું આ રીતે મર્ડર કર્યું હતું. ચારકોપ પોલીસે આગ લગાડનાર બે આરોપીને પકડ્યા હતા, પણ તએમાંનો એક આરોપી સગીર વયનો હોવાથી તેને બાલ સુધાર ગૃહમાં મોકલી અપાયો હતો.

ચારકોપ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સાતપુતેએ આ વિશે કહ્યું હતું કે ‘તપાસ કરતાં ત્યાં રાખેલા વૉટરકૂલર અને ઍરકૂલરને કોઈ જ્વલનશીલ પદાર્થ લાગ્યો હોવાનું ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જણાઈ આવ્યું હતું. એવી જ શંકા ફાયરબ્રિગેડને પણ હતી એથી આ બાબતે ખબરી નેટવર્કમાંથી માહિતી મેળવાઈ હતી. ૨૪ કલાકમાં જ ૨૦ વર્ષના યુવાન અને તેના સગીર સાગરીતને ઝડપી લેવાયા હતા. તેમની પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં યુવરાજ અને મુખ્ય આરોપી વચ્ચે ઝઘડો થયો હતો અને યુવરાજે તેને માર માર્યો હતો એથી આરોપીએ પોતાની ઍક્ટિવામાંથી પેટ્રોલ કૅનમાં ભર્યું હતું અને પરોઢિયે કોઈને જાણ ન થાય એ રીતે સાંઈમંદિરની પરસાળમાં સૂતેલા યુવરાજ પવાર, સુભાષ ખોડે અને મહેશ ઉર્ફે મોનુ ગુપ્તા પાસે છાંટીને આગ લગાડી દીધી હતી. મુખ્ય આરોપીની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધાયો છે, પણ તેના સગીર વયના સાથીને બાલ સુધાર ગૃહમાં મોકલી આપાયો છે.’

mumbai mumbai news Crime News mumbai crime news kandivli samiullah khan