રેલવેમાં કૉન્ટ્રૅક્ટ અપાવવાને નામે ૨.૭૩ કરોડની ચીટિંગ

29 October, 2020 10:45 AM IST  |  Mumbai | Mumbai correspondent

રેલવેમાં કૉન્ટ્રૅક્ટ અપાવવાને નામે ૨.૭૩ કરોડની ચીટિંગ

રેલવેનો ૨.૭૩ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટને નામે ચીટિંગ કરતી ગૅન્ગની પોલીસે ધરપકડ કરી.

રેલવેમાં ઓળખાણ હોવાથી કરોડો રૂપિયાનો નફો થાય એવો કૉન્ટ્રૅક્ટ અપાવવાને નામે ૨.૭૩ કરોડ રૂપિયાની ચીટિંગ કરવાના આરોપસર કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રેલવેના બનાવટી રબર સ્ટૅમ્પ, વોટરમાર્ક અને બોગસ પર્ચેસ ઑર્ડર મળી આવ્યા હતા.
રેલવેના કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ અપાવવાને નામે ૨.૭૩ કરોડ રૂપિયાની ચીટિંગ થઈ હોવાની ફરિયાદ મળ્યા બાદ કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧૧ની ટીમે દહિસર-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરની ગોકુલ આનંદ હોટેલમાંથી ગઈ કાલે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રેલવેના બનાવટી રબર સ્ટૅમ્પ, વોટરમાર્ક અને બોગસ પર્ચેસ ઑર્ડર મળી આવ્યા હતા.
આરોપીઓની પૂછપરછમાં જણાયું હતું કે ૨૦૧૯માં ગૅન્ગના સૂત્રધારે ફરિયાદીને કહ્યું હતું કે તેનો એક સાથી રેલવેમાં સેક્શન એન્જિનિયર છે. ટ્રેનના બે ડબ્બાની વચ્ચેના જૉઇન્ટમાં વપરાતા હોઝ પાઇપનો મોટો ઑર્ડર નીકળવાનો છે, એનું ટેન્ડર તને અપાવીશું. ફરિયાદીને ગૅન્ગે રેલવેના લાલ રંગના લોગો અને વોટરમાર્ક સાથેનો પર્ચેસ ઑર્ડર નીકળ્યો હોવાનો બોગસ દસ્તાવેજ બતાવ્યો હતો. આરોપીની વાતમાં આવીને ફરિયાદીએ તેમને ૧,૪૪,૯૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા. બાદમાં ઑર્ડર અપાવવા માટે ૭૨ લાખ રૂપિયા પડાવાયા હતા. માલ સપ્લાય થઈ ગયો હોવાથી થોડા સમયમાં પેમેન્ટ મળી જશે એમ કહેવાયું હતું.
જોકે આવો કોઈ ઑર્ડર નહોતો નીકળ્યો એટલે પેમેન્ટ પણ નહોતું આવવાનું એટલે લાંબો સમય રાહ જોયા બાદ પોતાની સાથે ચીટિંગ થઈ હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ આ બાબતે દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દહિસર પોલીસની સાથે કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચની યુનિટે તપાસ શરૂ કરીને ભાંડુપ, મીરા રોડ અને વિલે પાર્લેમાં રહેતા ૩ આરોપીની ધરપકડ કરી હતી. આ પ્રકારની ચીટિંગમાં બીજા કોઈ સાથી છે કે કેમ અથવા તેમણે અન્ય કોઈને છેતર્યા હોવાની શક્યતા હોવાથી પોલીસ તપાસ કરી રહી છે.

mumbai mumbai news Crime News