મુંબઈ ઍરપોર્ટ પરથી ૧.૬૦ કરોડ રૂપિયાના હૉન્ગકૉન્ગના ચલણ સાથે બે કરન્સી સ્મગલર્સ ઝડપાયા

24 August, 2016 04:51 AM IST  | 

મુંબઈ ઍરપોર્ટ પરથી ૧.૬૦ કરોડ રૂપિયાના હૉન્ગકૉન્ગના ચલણ સાથે બે કરન્સી સ્મગલર્સ ઝડપાયા


નેહા એલએમ ત્રિપાઠી


આ કામ પડકારજનક હતું, કારણ કે AIUને કરન્સી સ્મગલર્સ વિશેની બાતમી મળી ત્યારે સંબંધિત ફ્લાઇટ લૅન્ડ થઈ ચૂકી હતી અને એમાંથી પ્રવાસીઓ ઊતરવા માંડ્યા હતા. એથી પાંચ અધિકારીઓની ટીમ ટર્મિનલ-ટૂના અરાઇવલ્સ, ડિપાર્ચર અને પાર્કિંગ એરિયામાં ગોઠવાઈ ગઈ હતી. અધિકારીઓએ બે કરન્સી સ્મગલર્સ પૈકીના એકને ડિપાર્ચર એરિયામાંથી ઝડપી લીધો હતો, જ્યારે તેના સાથીને પકડવા માટે એક પૅસેન્જરને રોકડ સ્વીકારનાર તરીકે ગોઠવ્યો હતો. બાતમીમાં મળેલા કરન્સી સ્મગલર્સના વર્ણનને આધારે અધિકારીઓએ રાધેશ કટુવાલ નામના કરન્સી સ્મગલરને પહેલાં અને પવનકુમાર નામના તેના સાથીને થોડી વાર પછી ઝડપી લીધો હતો.

આ ઑપરેશનની માહિતી આપતાં મુંબઈ કસ્ટમ્સના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘દિલ્હીસ્થિત ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને પૅસેન્જર્સ દ્વારા કરન્સી સ્મગલિંગની બાતમી મળી હતી. એથી તેમણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું અને હૉન્ગકૉન્ગ જઈ રહેલા ત્રણ પ્રવાસીઓને ટ્રાન્ઝિટ એરિયામાંથી ૨.૫૦ કરોડ રૂપિયા સાથે અટકાયતમાં લીધા હતા. ચોક્કસ કેટલું ચલણ દાણચોરી મારફત દેશ બહાર લઈ જવાનું છે એ DRIના અધિકારીઓ જાણતા હતા એટલે તેમણે ત્રણેય પૅસેન્જરની પૂછપરછ કરી હતી. એ પૈકીના એક પૅસેન્જરે જણાવ્યું હતું કે તેમની એક બૅગ ચેક-ઇન થઈ ચૂકી છે અને એ મુંબઈથી દિલ્હી આવવાની છે. જોકે એ વિશે AIUને માહિતી મળી ત્યાં સુધીમાં ફ્લાઇટ લૅન્ડ કરી ચૂકી હતી અને પૅસેન્જરો પણ વિમાનમાંથી ઊતરી

ચૂક્યા હતા.’

એ પછી AIUના અધિકારીઓએ બે પૅસેન્જર્સને પકડીને મેટ્રોપૉલિટન કોર્ટમાં રજૂ કર્યા બાદ DRIને હવાલે કર્યા હતા. કરન્સીની દાણચોરીનું કારણ આપતાં AIUના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદે કરન્સીને કાયદેસરની બનાવવા માટે કરન્સીની દાણચોરી કરવામાં આવી હોય એવું લાગે છે. જો કરન્સી સફળતાપૂર્વક દેશની બહાર નીકળી ગઈ હોત તો દેશમાં પાછા ફરતી વખતે સ્મગલર્સે એને કસ્ટમ્સમાં ડિક્લેર કરીને કરન્સીને કાયદેસરની બનાવી લીધી હોત.             

કેસ શું છે?

DRI તરફથી મળેલી બાતમીના આધારે મુંબઈના AIUના અધિકારીઓએ પવનકુમાર અને રાધેશ કટુવાલ નામના બે પ્રવાસીઓને આંતર્યા હતા. તેમણે કરન્સીથી ભરેલી બૅગ ચેકિંગ કરવાની ભૂલ કરી હતી. ૨૪ વર્ષનો નેપાલી નાગરિક કરન્સીના માલિક અને દિલ્હીસ્થિત બિઝનેસમૅન વીરેન વર્માનો રસોઇયો છે. પવનકુમાર અને રાધેશ કટુવાલ કવર અપ પ્લાન તરીકે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. તેમની પાસે એ જ દિવસે સવારે દિલ્હી જવાની રિટર્ન ટિકિટ પણ હતી. તેઓ વિમાનમાંથી ઊતરીને ફરી દિલ્હી જવાના હતા, કારણ કે ડોમેસ્ટિક ઑપરેશન્શમાં કોઈ કસ્ટમ્સ ચેકિંગ થતું નથી. આ પૅસેન્જર્સ પાસેથી ૧,૯૩,૧૮,૦૦૦ ભારતીય રૂપિયાના મૂલ્યના ૨,૬૦,૦૦૦ યુરો જપ્ત કરવામાં આવ્યા હતા.