ભયંકર ટ્રૅજેડી : કોઈ મા-બાપને ભગવાન આવા દિવસો ન દેખાડે

06 November, 2012 03:45 AM IST  | 

ભયંકર ટ્રૅજેડી : કોઈ મા-બાપને ભગવાન આવા દિવસો ન દેખાડે



પ્રીતિ ખુમાણ


મુંબઈ, તા. ૬

કોઈ મા-બાપને ભગવાન આવા દિવસો ન દેખાડે. આ શબ્દો હતા તાડદેવની તુલસીવાડીમાં રહેતા બે સગા ભાઈઓના અંતિમ સંસ્કાર વખતે ગઈ કાલે વરલી સ્મશાનભૂમિમાં હાજર રહેલા લોકોના.

તાડદેવની તુલસીવાડીમાં આવેલા અપ્રોચ રોડ પર રહેતા ખીમજી ચૌહાણના બે પુત્રો ૨૨ વર્ષનો હિંમત અને ૨૦ વર્ષનો ઉમેશ રવિવારે વહેલી સવારે સવાબે વાગ્યે હૅન્ગિંગ ગાર્ડનના રસ્તેથી ઘરે આવી રહ્યા હતા ત્યારે પારસીઓની સ્મશાનભૂમિ ડુંગરવાડીના ઢોળાવવાળા રસ્તા પર તેમની પલ્સર બાઇક ફૂટપાથ પર ચડી જતાં થયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જ તેમનાં મૃત્યુ થયાં હતાં. વિધિની વક્રતા એ હતી કે તેઓ તેમની બીમાર મમ્મીને હૉસ્પિટલમાં મળીને ઘરે આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

મેઘવાળ સમાજના ખીમજી ચૌહાણની પત્ની મંજુબહેન બીમાર હોવાથી અઠવાડિયા પહેલાં તેમને એલિઝાબેથ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે. તેઓ હાર્ટ અને ટીબીના પેશન્ટ છે. મા-બાપની તબિયત સારી રહેતી ન હોવાથી બન્ને ભાઈઓએ ઘરની જવાબદારી સંભાળી લીધી હતી એટલે તેઓ પોતાના ભણતર પર વધારે ધ્યાન આપી શક્યા નહોતા.

રવિવારે રાત્રે ઉમેશ તેના પપ્પા ખીમજીભાઈને હૉસ્પિટલથી લઈને ઘરે બાઇક પર મૂકી ગયો હતો. પપ્પાને મૂકીને ઉમેશ ફરી હૉસ્પિટલમાં આવ્યો હતો. હૉસ્પિટલમાં મમ્મી પાસે બેસેલો હિંમત થોડો થાકેલો લાગતાં ઉમેશે તેને તેની સાથે ઘરે આવવા કહ્યું હતું, પણ હિંમતની ઇચ્છા મમ્મી પાસે જ રાત્રે રોકવાની હતી. જોકે ઉમેશે તેને ઘરે લઈ જવા દબાણ કરતાં તેઓ રાત્રે હૉસ્પિટલમાંથી નીકળી ગયા હતા. હૉસ્પિટલથી ઘરે જતી વખતે હિંમત બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસ તેમને નાયર હૉસ્પિટલમાં લઈ ગઈ હતી.

પોલીસે આ વાતની જાણ પરિવારજનોને રાત્રે અઢી વાગ્યે કરી હતી. આ સમાચાર મળતાં જ તેમના પપ્પા અને આજુબાજુમાં રહેતા તેમના મિત્રોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ વિશે વધુ માહિતી આપતાં તેમના મિત્ર અને પાડોશી હંસરાજ હેલૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને ભાઈઓના પપ્પાને ગળાનું કૅન્સર છે એટલે તેમના ગળામાં હોલ પાડેલું છે. તેમની તબિયત મોટે ભાગે ખરાબ રહે છે એટલે ઘરમાં જ રહે છે. તેમની મમ્મીને હાર્ટની અને ટીબીની બીમારી હોવાથી તેઓ પણ હંમેશાં બીમાર રહે છે એટલે સુધરાઈનું મમ્મીનું કામ કરવા ઉમેશ જતો હતો. ઘરની જવાબદારી બન્ને પર આવી ગઈ હોવાથી તેઓ વધુ ભણી શક્યા નહોતા. એમ છતાં હિંમતને ભણવામાં રસ હોવાથી તે બારમા ધોરણની પ્રાઇવેટ પરીક્ષા આપવાનો હતો. તેમના આ સમાચાર તેમની મમ્મીને કેમ કહેવા એ અમને સમજાતું નહોતું છતાં મન મક્કમ કરીને અમે તેમને આ ન્યુઝ આપ્યા. ગઈ કાલે હૉસ્પિટલથી ડિસ્ચાર્જ લઈને તેમનાં મમ્મી દીકરાઓના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતાં. બન્ને ભાઈઓએ થોડા વખત પહેલાં જ બાઇક ખરીદી હતી. આ પહેલાં હિંમત એક વાર બાઇક લઈને ગયો ત્યારે તેને નાનો અકસ્માત થયો હતો. જોકે એમાં તેને જરાય ઈજા થઈ નહોતી, પણ બાઇકને ભારે નુકસાન થયું હતું. કદાચ એ જ કુદરતનો ઇશારો હતો, પણ એ ઇશારાને કોઈ સમજી શક્યું નહોતું. તેમને બે બહેનો છે. મોટી બહેનનું નામ પિન્કી અને નાનીનું જ્યોતિ છે.’

ગઈ કાલે વરલી સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાનભૂમિમાં કામ કરતા એક કર્મચારીએ કહ્યું હતું કે ‘હિંમતને શિવ ભગવાન પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી અને દર સોમવારે તે સ્મશાનમાં રહેલી શિવજીની મૂર્તિની સાફસફાઈ અને પૂજા કરવા આવતો હતો. કુદરતી રીતે તેમના અંતિમ સંસ્કાર પણ સોમવારે જ થયા હતા.’