મોબાઇલ ફોન કાઢવા ગટરમાં ઊતરેલા બે મજૂરનાં થયાં મોત

13 May, 2017 04:30 AM IST  | 

મોબાઇલ ફોન કાઢવા ગટરમાં ઊતરેલા બે મજૂરનાં થયાં મોત



સૂરજ ઓઝા

ગટરમાં પડી ગયેલા મોબાઇલ ફોનને શોધવા માટે એમાં ઊતરેલા BMCના બે લેબરે ગુરુવારે જિંદગી ગુમાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સાકીનાકામાં કામાણી ઑઇલ રોડ પર શ્રીનગર પાસે ગુરુવારે બની હતી.

ઘટનાની માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘પ્રથમ એક મજૂર ફોન પાછો લેવા માટે મૅનહોલમાં ઊતર્યો હતો. તે ગૂંગાળમણ અનુભવતાં તેને બચાવવા બીજો મજૂર પણ ગટરમાં ઊતયોર્ હતો. બેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેના સાથીનું ગઈ કાલે હૉસ્પિટલમાં મોત થયું હતું. બન્ને મજૂર BMCના ક્લીનિંગ વેહિકલમાં કૉન્ટ્રૅક્ટ બેસિસ પર કામ કરતા હતા, પરંતુ સાઇડમાં પ્રાઇવેટ કામ મળે તો એ પણ કરતા હતા. બન્નેને જામ થઈ ગયેલી ગટરની પાઇપલાઇનની સફાઈનું કામ મળ્યું હતું અને ગુરુવારે સવારે સાડાઆઠ વાગ્યે બન્ને લેબર પાઇપલાઇન સાફ કરવા ગયા હતા ત્યારે એકે મૅનહોલ ખોલ્યો હતો. કામ પૂરું થયા બાદ એકનો મોબાઇલ ફોન ગટરમાં અકસ્માતે પડી ગયો હતો અને દુર્ઘટના બની હતી.’

સાકીનાકા પોલીસ-સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને લેબરને મૅનહોલમાંથી બહાર કાઢી રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એકને ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો જ્યારે બીજાનું ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. આ ઘટના બાબતે અમે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો છે.’