મુંબઈમાં પહેલાથી સાતમા ધોરણની સ્કૂલો હવે ૧૫ ડિસેમ્બરથી ખૂલશે

01 December, 2021 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકામાં ગયા અઠવાડિયા દેખા દીધેલા કોવિડના એ નવા વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. સાઉથ આફ્રિકાથી નવેમ્બરમાં ઘણા પૅસેન્જરો મુંબઈ આવ્યા છે.

મુંબઈમાં પહેલાથી સાતમા ધોરણની સ્કૂલો હવે ૧૫ ડિસેમ્બરથી ખૂલશે

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પહેલાથી ચોથા ધોરણની સ્કૂલો અને શહેરી વિસ્તારોમાં પહેલાથી સાતમા ધોરણ સુધીની સ્કૂલો પહેલી ડિસેમ્બરથી ખોલવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. એટલું જ નહીં, સ્કૂલો ખોલતી વખતે શું એસઓપી ફૉલો કરવાની છે એની ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી હતી. જોકે કોરાનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનને લઈને પહેલી ડિસેમ્બરથી મુંબઈ, પુણે અને નાશિકની સ્કૂલો ખોલવાનો નિર્ણય હાલ પૂરતો પોસ્ટપોન કરાયો છે અને હવે એ સ્કૂલો ૧૫ ડિસેમ્બરથી ખોલવાનો નવો આદેશ આપવામાં આવ્યો છે. જોકે ગ્રામીણ અને અન્ય શહેરોની સ્કૂલો આજથી પૂરી સાવચેતી અને એસઓપીના પાલન સાથે ખૂલશે. સાઉથ આફ્રિકામાં ગયા અઠવાડિયા દેખા દીધેલા કોવિડના એ નવા વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. સાઉથ આફ્રિકાથી નવેમ્બરમાં ઘણા પૅસેન્જરો મુંબઈ આવ્યા છે. એથી મુંબઈ મહાનગરાપાલિકાએ સાવચેતીની દૃષ્ટિએ સ્કૂલો ચાલુ કરવાનું હાલ મોકૂફ રાખ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલ અને શાલેય શિક્ષણ સંબંધિત અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈમાં પહેલાથી સાતમા ધોરણ સુધીની ૩૪૨૦ સ્કૂલો છે જેમાં ૧૦ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 
પુણેમાં પણ ૧૫ ડિસેમ્બર પછી જ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે નાશિકમાં સ્કૂલો ક્યારથી શરૂ કરવી એનો નિર્ણય ૧૦ ડિસેમ્બર પછી લેવામાં આવશે.   
સુધરાઈના હેલ્થ ઑફિસર રાજુ તડવીએ કહ્યું હતું કે ‘વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા કહેવાયું છે કે ૧૨ જેટલા દેશમાં એ વેરિઅન્ટ ફેલાયેલો હોઈ શકે. મુંબઈમાં પણ કેટલાક પ્રવાસીઓ સાઉથ આફ્રિકાથી આવ્યા છે. એથી પહેલાથી સાતમાની સ્કૂલો ખોલવા બાબતે અમે સાવચેતી રાખીએ છીએ.’  
મુંબઈમાં ૧૨ નવેમ્બરથી ૪૬૬ પ્રવાસી આફ્રિકન કન્ટ્રીઝમાંથી આવ્યા છે. એમાંના ૧૦૦ લોકો મુંબઈના છે. બાકીના ૩૬૬ બહારના છે. મુંબઈ આવેલા ૧૦૦માંથી કોઈને પણ કોરોના થયો હોવાનું જણાઈ આવ્યું નથી. એમ છતાં તેમની ફરી ટેસ્ટ કરવાનો નિર્ણય સુધરાઈએ લીધો છે. 

Mumbai mumbai news