ઠાકરે સરકારે મંજૂર કરેલા ૧૮૧ ઔદ્યોગિક પ્લૉટ્સ રાજ્ય સરકારે રિવ્યુ બાદ ક્લિયર કર્યા

21 September, 2022 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેદાંત-ફૉક્સકૉને એનો કરોડો રૂપિયાનો સેમી-કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા મહારાષ્ટ્રને બદલે ગુજરાત પર પસંદગી ઢોળી ત્યારથી એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકાર આકરી ટીકાનો સામનો કરી રહી છે.

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે

મુંબઈ (પી.ટી.આઇ.) : વેદાંત-ફૉક્સકૉનનો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હાથમાંથી સરકીને ગુજરાતમાં જતો રહ્યો એ મામલે ચાલી રહેલા વિવાદને પગલે રાજ્ય સરકારે અગાઉની  મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર દ્વારા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ માટેના મંજૂર કરાયેલા ૧૮૧ પ્લૉટ્સને સમીક્ષા બાદ ક્લિયર કર્યા છે.
એકનાથ શિંદેની સરકારે ઉદ્યોગ વિભાગને આ વર્ષે પહેલી જૂન પછી અગાઉની એમવીએ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઇડીસી)ના ૧૯૧ પ્લૉટ્સની સમીક્ષા કરવા માટે જણાવ્યું હતું. એમાંથી ૧૮૧ પ્લૉટ્સ ક્લિયર કરાયા છે અને બાકીના ૧૦ પ્લૉટ્સ સમીક્ષા હેઠળ છે જેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે એમ સિનિયર અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વેદાંત-ફૉક્સકૉને એનો કરોડો રૂપિયાનો સેમી-કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા મહારાષ્ટ્રને બદલે ગુજરાત પર પસંદગી ઢોળી ત્યારથી એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકાર આકરી ટીકાનો સામનો કરી રહી છે. શનિવારે મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં ઔદ્યોગિક પ્લૉટ્સની ફાળવણી પર સ્ટે મૂકવામાં આવ્યો નથી.

mumbai news eknath shinde