સાઉથ મુંબઈમાંથી ચોરાયેલા અને ખોવાયેલા ૧૭૬ મોબાઇલ પોલીસે શોધી આપ્યા

16 August, 2025 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝોન-૧માં આવતા કોલાબા, કફ પરેડ, મરીન ડ્રાઇવ, આઝાદ મેદાન, MRA માર્ગ, ડોંગરી અને સર જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશનોને આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યાં હતાં.

નાગરિકોના ખોવાયેલા મોબાઇલ તેમને પાછા આપતા ઝોન-૧ના ડેપ્યુટી પોલીસ-કમિશનર ડૉ. પ્રવીણ મુંડે.

મુંબઈ પોલીસના ઝોન-૧માં આવતા વિસ્તારોમાંથી ચોરાયેલા અથવા ગુમ થયેલા ૧૭૬ મોબાઇલ ફોન શોધીને એના માલિકોને પાછા આપવામાં આવ્યા હતા. નાગરિકોને તેમના ફોન પાછા આપવા માટે પોલીસે ખાસ કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું.

મોબાઇલ ગુમ થવાની ફરિયાદોનું નિવારણ લાવવા પહેલી જુલાઈથી ૧૦ ઑગસ્ટ સુધી ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઝોન-૧માં આવતા કોલાબા, કફ પરેડ, મરીન ડ્રાઇવ, આઝાદ મેદાન, MRA માર્ગ, ડોંગરી અને સર જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશનોને આ અભિયાનમાં આવરી લેવામાં આવ્યાં હતાં.

મોબાઇલ ફોન શોધવા માટે ડિટેક્શન ઑફિસરો અને પોલીસ-કર્મચારીઓએ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલમાંથી મળતી માહિતીના ઉપયોગથી ટેક્નિકલ રીતે તપાસ હાથ ધરી હતી. એને લીધે માત્ર મુંબઈ જ નહીં, અન્ય રાજ્યોનાં શહેરોમાંથી પણ ચોરાયેલા મોબાઇલ પાછા મેળવી શકાયા હતા.

૧૩ ઑગસ્ટે મોબાઇલના માલિકોને આઝાદ મેદાનના પ્રેરણા હૉલમાં એક કાર્યક્રમમાં આમંત્રિત કરીને ઝોન-૧ના ડેપ્યુટી પોલીસ-કમિશનર ડૉ. પ્રવીણ મુંડેએ તેમને મોબાઇલ સોંપ્યા હતા.

mumbai police south mumbai news mumbai mumbai news azad maidan