એક જ દિવસમાં ૧૬,૮૩૮ નવા કેસ, માત્ર મહારાષ્ટ્રમાં જ મળ્યા ૧૦,૨૧૬ કેસ

06 March, 2021 12:33 PM IST  |  New Delhi | Agencies

એક જ દિવસમાં ૧૬,૮૩૮ નવા કેસ, માત્ર મહારાષ્ટ્રમાં જ મળ્યા ૧૦,૨૧૬ કેસ

પ્રતીકાત્મક તસવીર

એક દિવસમાં ૧૬,૮૩૮ નવા કેસ નોંધાતા દેશમાં કોવિડ-19 સંક્રમિતોનો આંકડો વધીને ૧,૧૧,૭૩,૭૬૧ પર પહોંચ્યો હતો, જ્યારે કે રિકવરી થયેલા પેશન્ટની સંખ્યા ૧,૦૮,૩૯,૮૯૪ પર નોંધાઈ હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. જે પૈકી મહારાષ્ટ્રમાં ૧૦,૨૧૬ કેસ છે. કોરોના વાઇરસના સંક્રમણને કારણે એક દિવસમાં થયેલા ૧૧૩ મૃત્યુ બાદ કુલ મરણાંક વધીને ૧,૫૭,૫૪૮ થયો છે એમ મંત્રાલય દ્વારા આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી વિગતોમાં જણાવાયું હતું. કોવિડ-19ના અૅક્ટિવ કેસ વધીને ૧,૭૬,૩૧૯ નોંધાયા છે, જે કુલ કેસ-લોડના ૧.૫૮ ટકા હોવાનું આ આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું.

યુરોપિયન યુનિયન રસીની નિકાસ પર પ્રતિબંધ હટાવે ઑસ્ટ્રેલિયાએ કરી માગ

ઇટલીએ ઍસ્ટ્રાઝેનેકા કોરોના વાઇરસ રસીની વ્યાપક નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દીધો ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા ભવિષ્યમાં રસીના શિપમેન્ટને અટકાવવામાં નહીં આવે એવી ખાતરી યુરોપિયન યુનિયનની વહીવટી પાંખ પાસે મળે એમ ઇચ્છે છે.
કોરોનાની રસીના અઢી લાખ ડોઝના જથ્થાને ઑસ્ટ્રેલિયા જતો અટકાવી દેવાયો હતો. આ પ્રતિબંધ ઇટલીની સત્તા દ્વારા કરાયેલી વિનંતીના આધારે મૂકવામાં આવ્યો હતો અને ઈયુએ એને મંજૂર કર્યો હતો, જેને પગલે ઑસ્ટ્રેલિયન સરકારને નિરાશા સાંપડી હતી. ઑસ્ટ્રેલિયાનાં નાણાપ્રધાન સિમોન બર્મિંગહૅમે જણાવ્યું હતું, ‘સમગ્ર વિશ્વમાં અત્યારે અંધાધૂંધી સર્જાયેલી છે. આથી કેટલાક દેશો નિયમો તોડે એમાં કશી નવાઈ નથી.’
જોકે તેમણે કબૂલ્યું હતું કે ઑસ્ટ્રેલિયાને ગયા સપ્તાહે ઍસ્ટ્રાઝેનેકાના ૩,૦૦,૦૦૦ ડોઝ મળ્યા હતા. ઑસ્ટ્રેલિયામાં રસીકરણ કાર્યક્રમ ગયા મહિને શરૂ થયો હતો અને સરકાર જે કોઈ પણ વ્યક્તિને રસી મેળવવી હોય તેના માટે ઑક્ટોબર સુધીમાં રસી ઉપલબ્ધ કરાવાશે એવી અપેક્ષા સેવી રહી છે.

maharashtra coronavirus covid19 national news