20 November, 2025 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-વેસ્ટના પ્રેમનગરમાં રહેતી ૧૬ વર્ષની ટીનેજરે શનિવારે સાંજે ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ગોરેગામ પોલીસે મંગળવારે ટીનેજરના ફોટો એડિટ કરીને વાઇરલ કરવાની ધમકી આપનાર બાવીસ વર્ષના સંજય રાજ સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા બાબતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ગોરેગામની એક પ્રાઇવેટ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી ટીનેજરના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાંથી તેનો ફોટો લઈને એને વલ્ગર રીતે એડિટ કરીને સંજયે એને વાઇરલ કરવાની ધમકી આપીને ટીનેજર પાસેથી હજારો રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફોટો વાઇરલ કરવાની ધમકી આપનાર સંજય સામે ફરિયાદ નોંધાવવા માટે ટીનેજરનો પરિવાર પોલીસ-સ્ટેશન પહોંચ્યો ત્યારે પોલીસે સંજય સામે માત્ર નૉન-કૉગ્નિઝેબલ કમ્પ્લેઇન્ટ (NC) નોંધી હતી. જોકે ત્યાર બાદ પણ સંજયે પૈસાની માગણી સતત ચાલુ રાખી હતી. અંતે કંટાળીને ટીનેજરે આત્મહત્યા કરી લીધી હતી.
ટીનેજરના પિતાએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૭-૮ મહિનાથી મારી નાની દીકરી પરેશાન અને એકલી-એકલી રહેવા લાગી હતી ત્યારે અનેક વાર અમે તેને શું થયું વિશે જાણવાની કોશિશ કરી હતી. જોકે અમને યોગ્ય જવાબ મળ્યો નહોતો. આ દરમ્યાન તેણે અમારી પાસેથી વિવિધ કામો બતાવીને પૈસા લીધા હતા. દરમ્યાન તાજેતરમાં અમારા ઘરમાં ચોરી થવાની શરૂઆત થઈ હતી એટલે મને મારી પુત્રી પર શંકા આવતાં મેં તેને વિશ્વાસમાં લઈને પૃચ્છા કરી ત્યારે તેણે મને સંજય દ્વારા થતી પરેશાની વિશે જાણ કરી હતી. આ મામલે અમે શુક્રવારે સવારે ગોરેગામ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા ત્યારે પોલીસે અમને કલાકો સુધી બેસાડી રાખ્યા હતા. ત્યાર બાદ અમારી પાસેથી માહિતી લઈને સંજય સામે માત્ર NC નોંધી હતી. અમે પોલીસ પાસે કડક કાર્યવાહીની સતત માગણી કરી હતી, પણ પોલીસે અમારી એક ન સાંભળી. ત્યાર બાદ સંજયે મારી દીકરીનો સંપર્ક કરીને તેને અપશબ્દો બોલી ફોટો વાઇરલ કરી રહ્યો છું એમ ધમકાવી હતી જેનાથી તે ખૂબ જ ડરી ગઈ હતી. શનિવારે જ્યારે હું મારી દુકાન પર હતો અને મારી પત્ની માર્કેટ ગઈ હતી ત્યારે તેણે બેડરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. જો પોલીસે અમારી ફરિયાદ સામે કડક કાર્યવાહી કરી હોત તો આજે મારી દીકરી અમારી સાથે હોત. પોલીસની આ બેદરકારીને કારણે અમે અમારી દીકરી ગુમાવી છે.’
પોલીસ શું કહે છે?
ગોરેગામ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત ખરાતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર સંજય અવારનવાર ટીનેજર પાસેથી પૈસા લેતો હોવાની માહિતી મળતાં અમે તેની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે. શરૂઆતમાં તેની શું ફરિયાદ હતી એની માહિતી અમે લઈ રહ્યા છીએ.’