૧૫,૦૦૦ યુવાનોએ કર્યો તમાકુનો ત્યાગ

31 October, 2012 07:57 AM IST  | 

૧૫,૦૦૦ યુવાનોએ કર્યો તમાકુનો ત્યાગ



રોહિત પરીખ

ઘાટકોપર ગુજરાતી સમાજ અને શ્રી સમર્થ એકતા ગ્રુપે મુંબઈની વૉઇસ અગેઇન્સ્ટ ટૉબેકો (વૅટ) નામની સામાજિક સંસ્થાની સાથે રહી ઘાટકોપર-ઈસ્ટના સોમૈયા ગ્રાઉન્ડમાં દશેરાના દિવસે સિગારેટરૂપી રાવણનું દહન કર્યું હતું. વૅટ નામની સંસ્થા તમાકુની આડઅસર સામે જાગૃતિ લાવવા માટે ઘણાં વર્ષોથી અવનવા કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. એ અંતર્ગત મુંબઈમાં સૌપ્રથમ વાર ઘાટકોપરના સોમૈયા ગ્રાઉન્ડમાં દશેરાના દિવસે રાતે ૧૦ વાગ્યે સિગારેટરૂપી રાવણનું દહન કરી યુવાનોને તમાકુનું સેવન ન કરવાનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમની સાથે ત્રણેય સંસ્થાઓએ ગ્રાઉન્ડમાં હાજર રહેલા ૧૫ હજારથી વધુ યુવાનોને તમાકુજન્ય કોઈ પણ પદાર્થ જેમ કે ગુટકા, સિગારેટ વગેરે કોઈ પણ વસ્તુઓ ન ખાવાના શપથ લેવાની જાહેરાત કરતાં બધા જ યુવાનો અને અન્ય વ્યસનીઓએ હાથ ઊંચા કરી જાહેરાતને ૧૦૦ ટકા પ્રતિસાદ આપ્યો હતો.

ઘાટકોપર ગુજરાતી સમાજના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સરકાર તરફથી ૧૪ રાજ્યોમાં ગુટકા અને પાનમસાલા પર પ્રતિબંધ હોવા છતાં હજી તમાકુના વ્યસનીઓ માર્કેટમાંથી બ્લૅકમાં ગુટકા અને પાનમસાલા ખરીદીને તેમની આદતને પૂર્ણ કરે છે. ગુટકા અને પાનમસાલાની જેમ જ સિગારેટ પણ તમાકુની બને છે જેના પર હજી પ્રતિબંધ આવ્યો નથી. આવા સમયે વ્યસનરૂપી રાવણનું દહન કરવાની ઝુંબેશ કરી યુવાનોમાં જાગૃતિ લાવવી અનિવાર્ય છે. અમારી આ ઝુંબેશને ૧૦૦ ટકા પ્રતિસાદ મળ્યો હતો જેનાથી અમારી ત્રણેય સંસ્થાઓના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા.’

દિનપ્રતિદિન તમાકુનું સેવન વધી રહ્યું છે. સિગારેટના પૅકેટ પર સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવી ચેતવણી લખવામાં આવતી હોવા છતાં વ્યસનીઓ એનું સતત સેવન કરતા જ રહે છે. આની સામે જાગૃતિ લાવવા માટેના પ્રયાસ વૅટ સંસ્થા કરી રહી છે. વૅટ રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને અને ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્ય ગુરુને એક દિવસથી લઈને જીવનભર તમાકુ છોડવાનું વચન આપે એવા કાર્યક્રમની સાથે હોળીના દિવસે હોલિકાદહન, ૮ ઑગસ્ટના દિવસે QUIT INDIAની જેમ QUIT TOBACCO અને ગણેશોત્સવ દરમ્યાન પણ તમાકુના સેવન સામે જાગૃતિ આવે એના માટે એને અનુરૂપ ડેકોરેશન કરવાના અવનવા અને અનોખો કાર્યક્રમો યોજતી રહે છે.

વૅટના ચૅરમૅન ઉમેશ થાણાવાલાએ મિડ-ડે LOCALને આ સંદર્ભમાં વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ ઝુંબેશ દ્વારા અમે નરસા પર સારાના વિજયનો આજના યુવાનોને સંદેશો આપવાનો પ્રયાસ કરીએ છીએ. તમાકુજન્ય ઉત્પાદનો સામેની અમારી ઝુંબેશમાં અત્યાર સુધી અમને સરકાર અને સુધરાઈનો પણ ખૂબ જ સારો સહકાર મળ્યો છે. હવે નાગરિકો પણ અમને સહકાર આપે એને માટેના પ્રયાસો ચાલુ છે. તમાકુનું સેવન ઓછું થાય એના માટે પાનમસાલા અને ગુટકા પર પ્રતિબંધ મુકાયો, પરંતુ તમાકુ કોઈ પણ રૂપમાં સ્વાસ્થ્ય માટે જોખમકારક જ છે.’