ટ્યુશન ક્લાસમાંથી છૂટ્યા બાદ ગુજરાતી ટીનેજરનો પત્તો જ નથી

05 December, 2012 06:19 AM IST  | 

ટ્યુશન ક્લાસમાંથી છૂટ્યા બાદ ગુજરાતી ટીનેજરનો પત્તો જ નથી




મુલુંડ (વેસ્ટ)ના એલબીએસ માર્ગ પર આવેલા વીણાનગરની સુમંગલ સોસાયટીમાં રહેતો ૧૫ વર્ષનો મુલુંડની સેન્ટ જ્યૉર્જ હાઈ સ્કૂલનો એસએસસીનો વિદ્યાર્થી રાજ મનોજ જોશી સોમવારે સાંજના વીણાનગરમાં જ આવેલા નાયક ટ્યુટોરિયલ્સ ક્લાસિસમાંથી છૂટીને ૧૦૦ મીટરના અંતરે આવેલા ઘરે જવા નીકળ્યો હતો, પરંતુ હજી સુધી તેના ઘરે ન પહોંચતાં વીણાનગરમાં હાહાકાર મચી ગયો છે.

સોમવારે રાતથી રાજના કુટુંબીજનો અને વીણાનગરના રહેવાસીઓ રાજને શોધવા મુલુંડ નજીકના બધા જ વિસ્તારો, હૉસ્પિટલો, રેલવે-સ્ટેશન અને તેના મિત્રોના ઘરે જઈ આવ્યા; પરંતુ તેઓ રાજને શોધવામાં નિષ્ફળ ગયા હતા. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ મનોજ જોશીનું મુલુંડ (વેસ્ટ)માં જ ઇલેક્ટ્રિકનું કામકાજ છે. સુમંગલ સોસાયટીમાં તેઓ દરેક ક્ષેત્રે પ્રવૃત્તિમય હોવાથી રાજના ગુમ થવાથી સુમંગલ સોસાયટી અને વીણાનગરના રહેવાસીઓ સોમવારે સાંજના ૭ વાગ્યાથી રાજને શોધવા પોતપોતાના પ્રયત્નો કરી રહ્યા હોવા છતાં હજી સુધી રાજની કોઈ જ માહિતી તેઓ મેળવી શક્યા નથી. તેના મિત્રોના કહેવા પ્રમાણે રાજને તેમણે સાંજના સાડાચાર વાગ્યે કલાસમાંથી છૂટીને ઘર તરફ જતાં જોયો હતો.

આ માહિતી આપતાં રાજના પિતા મનોજ જોશીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘અમારા અથાગ પ્રયત્નો અને મુલુંડના વાયરલેસ મેસેજ પછી પણ અમે રાજના કોઈ પણ સમાચાર મેળવવામાં નિષ્ફળ ગયા છીએ. સામાન્ય રીતે રાજ ક્લાસ છૂટે એટલે સીધો ઘરે આવી જાય છે, પરંતુ સોમવારે તે સાંજના ૭ વાગ્યા સુધી ઘરે ન પહોંચતાં મારી પત્ની ભાવનાએ મને ફોન કરીને રાજ હજી ઘરે નથી પહાંેચ્યો એવી જાણકારી આપી હતી. હું તરત જ મારી દુકાનેથી ઘરે પહોંચ્યો હતો અને તેના બધા જ મિત્રો અને અમારાં સગાંસંબંધીમાં રાજની પૂછપરછ કરી હતી, પણ તેનો કશેયથી પત્તો ન લાગતાં અમે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં રાજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગઈ કાલ બપોર સુધી પણ તેના કોઈ જ સમાચાર ન મળતાં ગઈ કાલે મેં ક્રૉફર્ડ માર્કેટ

પોલીસ હેડક્વૉર્ટર્સના મિસિંગ ડિપાર્ટમેન્ટમાં રાજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.’

સંપર્ક કરો

રાજ જોશી વિશે કોઈ પણ માહિતી કે જાણકારી મળે તો મનોજ જોશીના મોબાઇલ નંબર ૯૮૧૯૯ ૨૫૨૫૦/૯૮૨૦૪ ૧૬૫૭૪ પર સંપર્ક કરવો.

એલબીએસ = લાલ બહાદુર શાસ્ત્રી, એસએસસી = સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ