રેલવેમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવશે ટ્રેઇન્ડ ડૉગ્સ

19 June, 2021 02:57 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનો પર બહુ જ જલદી જોવા મળશે નશીલા પદાર્થને સૂંઘીને પકડી પાડનારા ૧૪ ડૉગ્સ

સ્ટેશન પર ડૉગ-સ્ક્વૉડની મદદથી પૅટ્રોલિંગ કરીને પાર્સલથી લઈને લોકોનો સામાન તપાસી રહેલો સેન્ટ્રલ રેલવેનો આરપીએફ સ્ટાફ

ડ્રગ્સની વધી રહેલી હેરાફેરી અટકાવવા માટે હવે સેન્ટ્રલ રેલવેનાં સ્ટેશનો પર ટ્રેઇન્ડ ડૉગ્સ પૅટ્રોલિંગ કરતા જોવા મળશે. આ ડૉગ્સને પહેલાં ખાસ ટ્રે​ઇનિંગ અપાશે અને પછી ડ્યુટી પર લાવવામાં આવશે. એને કારણે ડ્રગ્સનું સ્મગલિંગ કરતા લોકોમાં ડર ઊભો થશે અને સ્મગલિંગનું પ્રમાણ નિયંત્રણમાં આવશે.

સેન્ટ્રલ રેલવેના આરપીએફના સિનિયર ડિ​વિઝનલ સિક્યૉરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીવાસ્તવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જ્યાં સિક્યૉરિટીની વાત આવે ત્યાં ડૉગ ઇઝ બેસ્ટ. સેન્ટ્રલ રેલવેમાં લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનો દક્ષિણ તેમ જ બિહારના રાજ્યોથી વધારે આવે છે. લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ડ્રગ્સનું સ્મગલિંગ થતું હોય છે. એથી સેન્ટ્રલ રેલવેમાં ૧૪ નવા ડૉગ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે એમાંથી નવ ડૉગ મુંબઈ ડિવિઝન માટે ખરીદી લીધા છે. એમાં લૅબ્રૅડોર, ડોબરમૅન વગેરે બ્રિડના ડૉગ ખરીદવામાં આવશે. આ ડૉગ ડ્રગ્સ પકડવામાં માહેર હોય છે. એમને પુણેના ટ્રેઇનિંગ સેન્ટરમાં ટ્રેઇનિંગ આપવામાં આવશે. ડ્રગ્સને સૂંઘીને પકડી શકે એવી રીતે તેઓ તૈયાર થશે. આરપીએફનો સ્ટાફ સ્ટેશનના પરિસરમાં અને પ્લૅટફૉર્મ પર પૅટ્રોલિંગ કરશે. ઍન્ટિ-નાર્કોટિક્સ વિંગનો સ્ટાફ પણ ડૉગ-સ્ક્વૉડને પૅટ્રોલિંગ પર લઈ જઈ શકશે. આરપીએફ દ્વારા થતા રોજના પૅટ્રોલિંગ વખતે અને માહિતી મળે ત્યારે થતી કાર્યવાહીમાં આ ડૉગનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારના ટ્રેઇન્ડ ડ્રૉગના પૅટ્રોલિંગથી ચોક્કસ સારી અસર થશે.’

કેટલા ડૉગ હશે?

સેન્ટ્રલ રેલવે દ્વારા વિવિધ સ્ટેશનો માટે હમણાં ૧૪ ડૉગ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે એમાંથી નવ ડૉગ મુંબઈ ડિવિઝન માટે ખરીદવામાં આવ્યા છે. ટૂંક સમયમાં બીજા ચાર ડૉગ પણ ખરીદવાનો વિચાર ચાલી રહ્યો છે. સ્ટાફ મુંબઈ ડિવિઝિનમાં અત્યારે ૨૮ ડૉગ સાથે પૅટ્રોલિંગ કરી રહ્યો છે.

mumbai mumbai news central railway preeti khuman-thakur