૧૪ લાખનાં ૪૪૦૭ જીન્સ લઈ ત્રિપુટી અલોપ થઈ ગઈ

04 April, 2017 06:42 AM IST  | 

૧૪ લાખનાં ૪૪૦૭ જીન્સ લઈ ત્રિપુટી અલોપ થઈ ગઈ


ફૈસલ ટાંડેલ


ઉલ્હાસનગરના જીન્સના ઉત્પાદક અને હોલસેલરો પાસેથી કલરિંગ અને વૉશિંગના નામે ૧૪ લાખ રૂપિયાનાં ૪૪૦૭ જીન્સ લઈ નાસી જવાના આરોપસર હિલલાઇન પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેની શોધ શરૂ કરી છે.

ઉલ્હાસનગરનો ૩૯ વર્ષનો ફરિયાદી હરેશ લાલવાણી જીન્સ ગાર્મે‍ન્ટના મૅન્યુફૅક્ચરિંગનો બિઝનેસ કરે છે. તેણે અન્ય આઠ ગાર્મે‍ન્ટના માલિકો સાથે યશ દેશમુખ ઉર્ફે‍ દીપક, આકાશ અને મનોહરલાલ મોરે એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ૧૨ ફેબ્રુઆરીથી એટલે કે દોઢ મહિનાથી ફરિયાદીઓ આરોપીઓના સંપર્કમાં હતા જે વૉશ અને કલરિંગ પ્રોસેસ માટે જીન્સ લઈ જતા હતા. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં તેઓ જીન્સ લઈ ગયા હતા એ પછી પાછા ફર્યા નહોતા.

ફરિયાદી હરેશ લાલવાણીએ આરોપીઓને ૧,૭૭,૪૫૦ રૂપિયાની કિંમતનાં ૫૪૬ જીન્સ આપ્યાં હતાં જ્યારે અન્ય આઠ હોલસેલરોએ ૧૨,૫૦,૦૫૦ રૂપિયાનાં ૩૮૬૧ જીન્સ આપ્યાં હતાં. એમ કુલ મળી આરોપીઓ ૧૪,૨૭,૫૦૦ રૂપિયાનાં ૪૪૦૭ જીન્સ લઈ ગયા હતા. પોલીસે જણાવ્યા પ્રમાણે અમે આરોપીઓના ઘરે ગયા હતા, પરંતુ તેઓ ઘરે નહોતા. એ પછી અમે એક આરોપીની બહેનના ઘરે ગયા હતા જ્યાં તેની બહેન પણ નહોતી. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ અને શંકા છે કે આરોપીઓએ જીન્સ હોલસેલ માર્કેટમાં વેચી દીધાં હશે.