મુંબઈના બીચ પર ૧૩૭ લાઇફગાર્ડ રહેશે રાઉન્ડ-ધ-ક્લૉક

29 September, 2025 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુહુ, વર્સોવા, આક્સા, ગોરાઈ, ગિરગામ અને દાદર બીચ પર વધારાના લાઇફગાર્ડ તહેનાત કરાશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ૬ બીચ પર કુલ ૧૩૭ લાઇફગાર્ડ તહેનાત કરવામાં આવશે. લાઇફગાર્ડ સર્વિસ માટે પ્રાઇવેટ એજન્સીને કામ સોંપવામાં આવશે. એના ટેન્ડર માટેની પ્રક્રિયા મુંબઈ ફાયર-બ્રિગેડ (MFB)એ હાથ ધરી છે.

૧૪૯ કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા મુંબઈના બીચ પર દર વર્ષે ૯૩ લાઇફગાર્ડને તહેનાત કરવામાં આવે છે. આ વર્ષે લાઇફગાર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવશે. વધુ સહેલાણીઓ આવતા હોય, દરિયાનો કરન્ટ તેજ હોય અને બીચની ભૌગોલિક પરિસ્થિતિ જેવાં પરિબળોને ધ્યાનમાં રાખીને મુંબઈના ૬ બીચ પર લાઇફગાર્ડની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુહુ, વર્સોવા, આક્સા અને ગોરાઈ ઉપરાંત ગિરગામ અને દાદર ચોપાટીનો આ યાદીમાં સમાવેશ થાય છે. આ બધા બીચ પર ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. ઘણી વાર યુવાનો ચેતવણી છતાં દરિયામાં ઊતરતા હોય છે અને સ્ટન્ટબાજીમાં જીવ ગુમાવતા હોય છે. આવા બનાવો અટકાવવા માટે બીચ પર વધુ સંખ્યામાં લાઇફગાર્ડ તહેનાત કરવામાં આવશે. સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ૧૧ અધિકારીઓની ટીમ પણ મોટા અકસ્માતમાં બચાવકાર્ય માટે સ્ટૅન્ડબાય રાખવામાં આવે છે.

બે શિફ્ટમાં ચોવીસ કલાક સતર્ક રહેનારા લાઇફગાર્ડ અનિચ્છનીય બનાવો રોકવામાં મદદ કરશે. ૩ વર્ષ માટે તેમને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવશે. ઉપરાંત BMCએ બચાવકાર્ય માટે ૬ રોબોટની મદદ લેવાની યોજના માટે પણ ટેન્ડર મગાવ્યાં છે.

mumbai news mumbai juhu gorai versova girgaon brihanmumbai municipal corporation