આરેનું એક વૃક્ષ કાપવા માટે ૧૩,૪૩૪ રૂપિયાનો ખર્ચ કરાયો

15 December, 2019 01:28 PM IST  |  Mumbai Desk

આરેનું એક વૃક્ષ કાપવા માટે ૧૩,૪૩૪ રૂપિયાનો ખર્ચ કરાયો

મેટ્રો શેડ માટે આરે કૉલોનીમાં આગલી સરકારે રાતોરાત ૨૦૧૧ વૃક્ષ કાપી નાખ્યાં હતાં. આ કામ માટે સરકારે ૨,૭૦,૧૬,૮૯૮ રૂપિયા ખર્ચ કર્યો હતો, જે વૃક્ષદીઠ ૧૩,૪૩૪ રૂપિયા થાય છે. આરટીઆઇની માહિતી સરકારે આવો બેફામ ખર્ચ કર્યો હોવાનું જણાઈ આવ્યું છે.

આરેમાં મેટ્રો કારશેડ બનાવવા માટે અગાઉની સરકારના આદેશથી ૪ ઑક્ટોબરથી ૬ ઑક્ટોબર દરમ્યાન અહીંના ૨૦૧૧ વૃક્ષ કાપી નખાયા હતા. આ કામ માટે સરકારે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હતો એની માહિતી મેળવવા આનંદ ભંડારેએ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)માં માહિતી અધિકાર હેઠળ અરજી કરી હતી. જવાબમાં ખૂબ ચોંકાવનારી માહિતી જાણવા મળી છે.
સરકારે રાતના સમયે વૃક્ષ કાપવાની પરવાનગી આપવા સામે ખૂબ વિરોધ થયો હતો. એમએમઆરસીએલે આપેલી માહિતી મુજબ ૪થી ૬ ઑક્ટોબર દરમ્યાન ત્રણ દિવસમાં કુલ ૨૦૧૧ ઝાડ કપાયાં હતાં. એ માટે ૨,૭૦,૧૬,૯૮૯ રૂપિયાનો જંગી ખર્ચ કરાયો હતો. ત્રણ દિવસની કાર્યવાહીમાં આટલો મોટો ખર્ચ સરકારે કર્યો હતો.
માહિતી અધિકારના કાયદા મુજબ એક મહિનામાં સંબંધિત અરજીનો જવાબ આપવાનો રહે છે. આમ છતાં એમએમઆરસીએલે બે મહિના બાદ માહિતી આપી હતી. આથી આ કંપનીની પારદર્શકતાના કરાતા દાવા સામે સવાલ ઊભો થાય છે.
આનંદ ભંડારેએ ૧૫ ઑક્ટોબરે માહિતી મેળવવા માટે અરજી કરી હતી. તેમને ૯ ડિસેમ્બરે જવાબ મળ્યો હતો. નવેમ્બરના અંત સુધી જવાબ મળતાં તેમણે અપીલ કરી હતી.

aarey colony national news mumbai mumbai news