કાલાઘોડાના લિવ પબના માલિકને એક મહિનાની રાહત માટે ૧૨,૫૦૦નો દંડ

01 November, 2012 07:00 AM IST  | 

કાલાઘોડાના લિવ પબના માલિકને એક મહિનાની રાહત માટે ૧૨,૫૦૦નો દંડ



સાઉથ મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં આવેલા લિવ પબમાં ઝોન એકની સ્પેશ્યલ સ્ક્વૉડે ૨૬ ઑક્ટોબર શુક્રવારે મોડી રાત્રે રેઇડ પાડી ધરપકડ કરવામાં આવેલી સાત યુવતીઓ સહિત ૨૧ યુવાનો સાથે કોઈ પણ ગેરવ્યવહાર કર્યો નહોતો એવું પોલીસે મિડ-ડે LOCALને કહ્યું હતું. પોલીસે ફક્ત તેમની પૂછપરછ કરી તેમને ઘરે મોકલી દીધા હતા. પબમાં  લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાના મદદથી અન્ય ૨૦ લોકોને પોલીસે શોધી કાઢ્યા હતા અને તેઓ પાસે દંડ ભરાવી તેમને રાહત આપવામાં આવી હતી જ્યારે પબના માલિક પાસે ૧૨,૫૦૦ રૂપિયાનો દંડ ભરાવી તેમને ૨૨ નવેમ્બર સુધી રાહત આપવામાં આવી છે.

આ રેઇડમાં સ્ક્વૉડે ૩૫૦ યુવાનોને પણ તાબામાં લીધા હતા, પણ તેમની પૂછપરછ કરતી વખતે આ યુવાનો વચ્ચે ઝઘડા અને ધક્કામુક્કી થતાં તેઓ નાસી ગયા હતા. જોકે પોલીસે એમાંથી ૧૪ યુવકો અને સાત યુવતીની જ ધરપકડ કરી હતી. આ યુવાનોના ગ્રુપમાં ફિલ્મી હસ્તીઓ અને વિદેશીઓ પણ હતા. તેમને એમઆરએ (માતા રમાબાઈ આંબેડકર) માર્ગ પોલીસ-સ્ટેશનના તાબામાં સોંપવામાં આવ્યા હતા.

શુક્રવારે રાતે પોણાબે વાગ્યે લિવ પબમાં પચીસ પોલીસ-અધિકારીઓએ રેઇડ પાડી હતી. પબમાં પાર્ટી ઘણી જોરમાં ચાલી રહી હતી, લોકો દારૂ પી રહ્યા હતા અને મ્યુઝિક પણ લાઉડ હતું. એમઆરએ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ‘અમે ૨૧ યુવાનોની ભીડ એકઠી કરવાના અને પબના માલિક તથા મૅનેજરની અધિકૃત કલાકો પછી પબ ચાલુ રાખવાના આરોપસર ધરપકડ કરી હતી.’

પોલીસે તાબામાં લીધેલા યુવાનોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘પોલીસે અમારી સાથે ગેરવર્તન કર્યું હતું. અમુક પોલીસ-અધિકારીઓએ લાકડીથી અમારી મારપીટ કરી હતી. મહિલા-કૉન્સ્ટેબલે યુવતીઓની પણ મારપીટ કરી હતી.’

એક યુવકે કહ્યું હતું કે ‘પબમાં ડ્રગ્સ નહોતું. અમે ફક્ત દારૂ પી રહ્યા હતા અને અમારી પાસે લાઇસન્સ પણ હતું, પણ પોલીસે અમારી વાત સાંભળી નહોતી. પોલીસે અમને સવારે સાડાચાર વાગ્યે છોડી દીધા હતા.’

આ કેસની તપાસ કરતાં પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘અમે તેઓ સાથે કોઈ પણ ગેરવ્યવહાર કર્યો નહોતો, યુવાનો એ વખતે ધક્કામુક્કી કરી રહ્યા હતા એથી તેમને કન્ટ્રોલમાં લાવવા અમારે આ પગલું ભરવું પડ્યું હતું. અમે કોઈની પણ મારપીટ કરી નહોતી. પબની ડેડલાઇન વીતી જવા છતાં આ પબ ચાલુ હતો એવી ટિપ મળતાં અમે રેઇડ પાડી હતી. લોકો ઘરે જલદી જવા ઇચ્છી રહ્યા હતા, પણ તેમનાં સ્ટેટમેન્ટ વગર અમે તેમને ઘરે મોકલી દઈએ એ અમારી માટે શક્ય નહોતું. પ્રાથમિક તપાસ કરવી અમારે માટે પણ સખત જરૂરી હતી.’

પોલીસ સ્થિતિને મૅનેજ કરી ન શકી : ઍડિશનલ પોલીસ-કમિશનર

પબ પર રેઇડ પાડ્યા બાદ ૩૫૦થી વધુ યુવાનોને એમઆરએ પોલીસે તાબામાં લીધા હતા, પણ પૂછપરછ વખતે તેઓ વચ્ચે ઝઘડો થતાં નાસી ગયા હતા. જોકે પોલીસે ફક્ત ૨૧ લોકોની જ ધરપકડ કરી હતી. આ સંદર્ભે ઍડિશનલ પોલીસ-કમિશનર કૃષ્ણા પ્રસાદે કહ્યું હતું કે ‘પબમાં યુવાનો હતા, તે બધા નિદોર્ષ હતા અને તેમને આ કેસથી કંઈ પણ લેવા-દેવા નથી. જોકે પોલીસ જ આ સ્થિતિને નિયંત્રિત કરી શકી નહોતી.’

એમઆરએ = માતા રમાબાઈ આંબેડકર