એપીએમસી માર્કેટના ૧૨ સિક્યૉરિટી ગાર્ડ્સ કોરોનામાં સપડાયા

30 May, 2020 12:27 PM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Correspondent

એપીએમસી માર્કેટના ૧૨ સિક્યૉરિટી ગાર્ડ્સ કોરોનામાં સપડાયા

માર્કેટને સમયાંતરે સેનિટાઈઝ કરવામાં આવે છે

નવી મુંબઈના વાશીસ્થિત ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના જથ્થાબંધ બજારમાં સિક્યૉરિટીની કામગીરી બજાવતા ૧૨ જવાનોને કોરોના ઇન્ફેક્શન લાગુ થતાં તેમની જગ્યા પર હાલમાં પ્રાઇવેટ એજન્સીઝના બાઉન્સરોને સુરક્ષાની કામગીરી સોંપવામાં આવી છે. જોકે બમણો પગાર આપીને નિયુક્ત કરવામાં આવેલા પ્રાઇવેટ એજન્સીના જવાનોને કોરોના સંબંધી ચકાસણી વગર નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. એપીએમસી માર્કેટમાં કામ કરનારા અને તેમની જોડે સંબંધિત લોકોને કોરોના ઇન્ફેક્શન લાગ્યાના અત્યાર સુધી ૫૯૦ કેસ નોંધાયા છે.

એપીએમસીના સિક્યૉરિટી ઑફિસર અવિનાશ કાકડેએ જણાવ્યું હતું કે ‘જેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે તે ૧૨ જવાનો અને લૉકડાઉનના સમયમાં ગેરહાજર રહેનારા અન્ય ૪૨ સિક્યૉરિટી જવાનોને મહારાષ્ટ્ર સુરક્ષા મંડળ પાસે પાછા મોકલવામાં આવ્યા છે. એથી સલામતી વ્યવસ્થા જાળવવા માટે પ્રાઇવેટ એજન્સીની મદદ લેવાનો નિર્ણય એપીએમસીના વહીવટી તંત્રે લીધો છે.’

સિક્યૉરિટી માટે પ્રાઇવેટ એજન્સીની મદદ લેવાના નિર્ણયનો વિરોધ કરનારા સભ્યોનું કહેવું છે કે માર્કેટને પહેલેથી હોમગાર્ડ અને પોલીસનું રક્ષણ આપવામાં આવ્યું હોય તો મોંઘાદાટ પ્રાઇવેટ એજન્સીના જવાનોની શી જરૂર છે? માર્કેટના વહીવટી તંત્ર પર મોંઘા ભાવના ફુટ પ્રેસ હૅન્ડ સૅનિટાઇઝર્સ ખરીદવાનો આરોપ પણ મુકાઈ રહ્યો છે. માર્કેટના બાવીસ અધિકારીઓને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિની પરવાનગી આપવાનો પણ મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે, કારણ કે સ્વૈચ્છિક નિવૃત્તિને પગલે એ બાવીસ જણને ગ્રૅચ્યુઇટી રૂપે જંગી રકમ આપવાનો બોજ માર્કેટના પ્રશાસન પર પડે એમ છે.

coronavirus covid19 mumbai mumbai news apmc market