વડાલા-ધારાવીમાં ૧૨ પોલીસ કોરોના પૉઝિટિવ

02 May, 2020 07:59 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

વડાલા-ધારાવીમાં ૧૨ પોલીસ કોરોના પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

મુંબઇના અનેક વિસ્તારમાં કોરોના પૉઝિટિવની સંખ્યા વધી રહી છે ત્યારે હવે પોલીસ-કર્મચારીઓ અને એસઆરપીએફ જવાનો પણ આ જીવલેણ વાઇરસની ચપેટમાં આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ થયું હોય એવા પોલીસમાં વડાલા પોલીસ-સ્ટેશનના નવ અને ધારાવીના ત્રણ પોલીસ છે. આ સાથે ધારાવીમાં કોરોનાનું સંક્રમણ થયું હોય એવા પોલીસ-કર્મચારીની સંખ્યા સાત થઈ છે.
ડેપ્યુટી પોલીસ-કમિશનર રશ્મિ કરંદીકરે જણાવ્યું હતું કે વડાલાના સાત કન્ટેનમેન્ટ ઝોનમાં આ નવ પોલીસ-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. અહીં આ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. આ તમામને બાંદરા (ઈસ્ટ)ની ગુરુ નાનક હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે અને અત્યારે તેમની તબિયત સારી છે.

ધારાવી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રમેશ નાંગરેએ જણાવ્યું હતું કે સોમવારે ધારાવીના ચાર પોલીસ-ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલોની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ગઈ કાલે અન્ય સબ ઇન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલોની ટેસ્ટ પણ પૉઝિટિવ આવી હતી. રાજ્ય રિઝર્વ પોલીસ દળ (એસઆરપીએફ)નો જવાન પણ ધારાવીમાં તહેનાત હતો. હવે તેની આખી બટૅલ્યનને ક્વૉરન્ટીન કરવામાં આવી છે.

ઉલ્લેખનીય કે પોલીસ દળમાં ત્રણ કર્મચારીને કોરોના વાઇરસનો ચેપ લાગતાં મૃત્યુ થયાં હોવાનું ધ્યાનમાં આવતાં મુંબઈ પોલીસે ૫૫ વર્ષથી મોટી ઉંમરના તમામ કર્મચારીઓને ઘરે રહેવા જણાવ્યું છે. વધારામાં ડાયાબિટીઝ, હાઇપરટેન્શન વગેરે બીમારીનો ઇતિહાસ ધરાવતા બાવનથી મોટી ઉંમરના લોકોને પણ સાવચેતીના પગલા તરીકે ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે. વધુમાં ૧૨ હજાર ઑનડ્યુટી પોલીસને હાઇડ્રોક્સિક્લોરોક્વિન (એચસીક્યુ) ગોળીઓ સૂચવવામાં આવી છે અને વિટામિનનાં સપ્લિમેન્ટ લેવાનું કહેવામાં આવ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

coronavirus mumbai mumbai news mumbai police wadala dharavi