૧૧ વાર વિધાનસભ્ય તથા ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખનું નિધન

01 August, 2021 05:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

૯૪ વર્ષના ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખને લગભગ ૧૫ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું.

ગણપતરાવ દેશમુખ

સૌથી લાંબો સમય સુધી સેવારત રહેનારા વિધાનસભ્ય તેમ જ પીડબ્લ્યુપીના વરિષ્ઠ નેતા ગણપતરાવ દેશમુખનું શુક્રવારે સાંજે સોલાપુરની એક ખાનગી હૉસ્પિટલમાં નિધન થયું હોવાનું તેમનાં પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું.

૯૪ વર્ષના ભૂતપૂર્વ પ્રધાન ગણપતરાવ દેશમુખને લગભગ ૧૫ દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધાવસ્થાને લગતી બીમારીને કારણે તેમનું નિધન થયું હતું. તેમના પર પિત્તાશયમાં પથરીની સારવાર કરવામાં આવી હતી તેમ જ હાલમાં જ તેમનું ઑપરેશન કરવામાં આવ્યું હતું.

ગણપતરાવ દેશમુખે ૧૯૬૨થી અત્યાર સુધીમાં ૧૧ વખત રાજ્ય વિધાનસભામાં સોલાપુર જિલ્લાના સંગોલાનું પ્રતિનિધિત્વ કર્યું હતું તથા ૫૪ વર્ષ સુધી વિધાનસભ્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ૨૦૧૪માં સંગોલાની સીટ પરથી ૧૧મી વખત જીત હાંસલ કરીને તેમણે વિક્રમ કર્યો હતો અને ૨૦૧૯ સુધી એસેમ્બ્લીમાં સેવારત રહ્યા હતા. તેમની અંતિમક્રિયા સંગોલામાં કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગવર્નર ભગત સિંહ કોશ્યારીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

mumbai news mumbai