મુંબઈમાં મુસીબતઃ મલાડમાં ઈમારત ધરાશાયી થતાં 11 લોકોના મોત, 7 ઘાયલ

10 June, 2021 11:31 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના મલાડમાં ભારે વરસાદને કારણે એક ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બુધવારે એટલે કે ગત રાત્રે 11 વાગ્યે બની હતી.

મલાડમાં ઈમારત ધરાશાયી

મુંબઈમાં ફરી એક વાર ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બે દિવસથી ચાલી રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી.  આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે કેટલાક લોકો દબાઈ ગયા છે, જેને બહાર કાઢવાની કામગીરી શરૂ છે. 

બ્રૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું કે  મલાડ વેસ્ટ વિસ્તારમાં  અબ્દુલ હમીદ રોડ પર બુધવારે રાત્રે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટના અંગે ફાયરવિભાગની ટીમને તુરંત ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં કેટલાક બાળકો સામેલ છે. 

 ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યું કે દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે BDBA હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. કેટલાય લોકો કાટમાળ નીચે હજી ફસાયેલા છે. જેમને ફાયરવિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે.  

mumbai news buliding collapsed