06 May, 2025 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે બપોરે ચર્ચગેટ જઈ રહેલી ફાસ્ટ ટ્રેન ચર્ની રોડ સ્ટેશન પર રોકાવાને બદલે ૧૧ ડબ્બા આગળ નીકળી ગઈ હતી. માત્ર છેલ્લા ડબ્બાના પૅસેન્જર્સને જ પ્લૅટફૉર્મ પર ઊતરવા મળ્યું હતું. જોકે એ પછી ટ્રેન પાંચ મિનિટ સુધી ઊભી રહી હતી. આ ટ્રેનનો મોટરમૅન એસ. કે. સહા હતો. વેસ્ટર્ન રેલવેએ હવે આ સંદર્ભે ઇન્ટર્નલ ઇન્ક્વાયરી ચાલુ કરી છે.
વેસ્ટર્ન રેલવેના ઑફિસરે આ વિશે કહ્યું હતું કે ‘ઓવરશૂટિંગ ટ્રેન આગળ નીકળી જવાની આ ઘટના બપોરે ૨.૪૮ વાગ્યે બની હતી. ૧૧ કોચ આગળ નીકળી ગયા હતા. ઓવરશૂટિંગ ગંભીર ગણાતું હોય છે. જોકે એમ છતાં એ રેડ સિગ્નલ હોવા છતાં એને જમ્પ કરી આગળ નીકળી જવા કરતાં વધુ જોખમી નથી ગણાતું. લાલ સિગ્નલ હોવા છતાં ટ્રેન ન રોકનાર મોટરમૅને સુરક્ષાનો ભંગ કર્યો હોવાનું કહેવાય છે. જોકે બન્ને ઘટનામાં મોટરમૅનની જ ભૂલ હોવાનું ગણતરીમાં લેવાય છે.’
ઓવરશૂટિંગની ઘટના મોટરમૅન જ્યારે સમયસર બ્રેક અપ્લાય ન કરે ત્યારે બનતી હોય છે. આના કારણે જે પૅસેન્જર્સને એ સ્ટેશન પર ઊતરવું હોય તેમણે ટ્રૅક પર ઊતરીને પાછા જવું પડે છે, જ્યારે બીજી તરફ પ્લૅટફૉર્મ પર એ ટ્રેનમાં ચડી આગળ જવા માગતા પૅસેન્જર્સને એ ટ્રેનમાં ન ચડવા મળતાં બીજી ટ્રેન માટે રાહ જોવી પડે છે.