પશ્ચિમી પરાંઓમાં ચેઇનસ્નૅચિંગના બનાવો નહીં અટકતાં ગૃહિણીઓમાં ગભરાટ

30 December, 2011 08:34 AM IST  | 

પશ્ચિમી પરાંઓમાં ચેઇનસ્નૅચિંગના બનાવો નહીં અટકતાં ગૃહિણીઓમાં ગભરાટ

 

ચેઇનસ્નૅચરોને પકડવામાં પોલીસની નિષ્ફળતાથી ગળામાં મંગળસૂત્ર પહેરીને ધોળે દિવસે પણ બહાર નીકળવાનું ગૃહિણીઓ માટે મુશ્કેલ બનતું જાય છે. મુંબઈ શહેરના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકે ચેઇનસ્નૅચરો પર ચાંપતી નજર રાખવાની શહેરનાં તમામ પોલીસ-સ્ટેશનોને સૂચના આપી હોવા છતાં છેલ્લા પંદર દિવસમાં મલાડ, કાંદિવલી તથા બોરીવલી વિસ્તારમાં ત્રણ મહિલાઓના ગળામાંથી મંગળસૂત્ર લૂંટી લેવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. પશ્ચિમી પરાંઓ કાંદિવલી, બોરીવલી અને મલાડ વિસ્તારનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ડિસેમ્બર માસમાં ચેઇનસ્નૅચિંગના સાત બનાવો નોંધાયા છે. કાંદિવલી-વેસ્ટના એસ. વી. રોડની ગોરસવાડીસ્થિત ગોકુલ બિલ્ડિંગમાં રહેતાં જ્યોતિબહેન પારેખ ૨૨ ડિસેમ્બરના રોજ

સવારે ૭.૪૫ વાગ્યે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે બે અજાણ્યા શખ્સ તેમના ગળામાંથી ૬૦,૦૦૦ રૂપિયાની કિંમતનું મંગળસૂત્ર ખેંચી રિક્ષામાં નાસી ગયા હતા. આ અગાઉ રાજારામનિવાસ, એક્સર કોળીવાડા, બોરીવલી-વેસ્ટ ખાતે રહેતાં કુમુદ પાટીલ ૧૯ ડિસેમ્બરના બપોરે ૨.૪૫ વાગ્યે એક્સર રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે બે બાઇકસવારો તેમના ગળામાંથી ૧.૧૯ લાખ રૂપિયાની કિંમતનાં મંગળસૂત્ર તથા સોનાની ચેઇન લૂંટી નાસી ગયા હતા.

આવા જ એક બનાવમાં અલીબાગ ખાતે રહેતાં માલતી શિંદે ૧૮ ડિસેમ્બરના રોજ મલાડના અમરશી રોડ તથા કિશન રોડ જંક્શન પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે બે બાઇકસવારોએ તેમના ગળામાંથી ૭૫ હજાર રૂપિયાની કિંમતનું મંગળસૂત્ર ખેંચી લીધું હતું.