પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલનાં ઝડપી દર્શન માટે ૧૦૦૦ રૂપિયાના પાસની વિચારણા

27 October, 2012 06:00 AM IST  | 

પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલનાં ઝડપી દર્શન માટે ૧૦૦૦ રૂપિયાના પાસની વિચારણા



લાખો વારકરીના શ્રદ્ધાસ્થાન એવા પંઢરપુરના ભગવાન વિઠ્ઠલ મંદિરમાં દર્શન માટે લાગતી લાંબી લાઇનોના પગલે મંદિરનું સંચાલન કરતી સમિતિએ ઝડપી દર્શન લેવા ઇચ્છતા ભાવિકો માટે ૧૦૦૦ રૂપિયાના પાસની વ્યવસ્થા શરૂ કરવાનો નિણર્ય લીધો છે. જોકે રાજ્ય સરકારની મંજૂરી પછી જ આ નિર્ણય અમલી બનશે. એવું જણાય છે કે આ નિર્ણયનો જોરદાર વિરોધ થવાની શક્યતા છે. બીજી તરફ પુરાતત્વ વિભાગે કહ્યું હતું કે દહીં અને દૂધના અભિષેકથી શ્રી વિઠ્ઠલ અને રખુમાઈની મૂર્તિને નુકસાન થાય છે એથી મંદિર ટ્રસ્ટ હવે મહાપૂજા માટે ઉત્સવ મૂર્તિનો ઉપયોગ કરવા ચાહે છે. ગુરુવારે પંઢરપુરમાં મંદિર સમિતિ ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મંદિરની આવક વધારવા અને ઝડપી દર્શન કરવા ઇચ્છતા ભાવિકો પાસેથી રૂપિયા પડાવતા લોકોને બંધ કરવા માટે અગાઉ ૧૦૦ રૂપિયા લઈને વીઆઇપી દર્શન પાસ યોજના વિચારવામાં આવી હતી, પરંતુ એનો વિરોધ થતાં પડતી મૂકવામાં આવી હતી. હવે આવી રીતે દર્શન કરવા ઇચ્છતા લોકો પાસેથી ૧૦૦૦ રૂપિયા લેવાનું વિચારવામાં આવ્યું છે. આવા પાસ લેનારા ભાવિકોને સવારે સવાઅગિયારથી પોણાબાર વાગ્યા સુધી અને સાંજે સવાસાતથી પોણાઆઠ વાગ્યા સુધી દર્શન કરવા મળશે. એ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જોકે અષાઢ મહિનામાં થતી યાત્રા વખતે આ સુવિધા ઉપલબ્ધ નહીં થાય.

વીઆઇપી = વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન