કાયર પોલીસ

21 November, 2012 04:24 AM IST  | 

કાયર પોલીસ



શિવસેના-સુપ્રીમો બાળ ઠાકરેના અવસાન બાબતે ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર કમેન્ટ પોસ્ટ કરવાને કારણે અને પછી એ કમેન્ટને લાઇક કરવાને લીધે પાલઘરની બે યુવતીઓ શાહીન ફારુક ધડા અને રેણુ શ્રીનિવાસને પોલીસ લૉક-અપમાં જવું પડ્યું હતું. જોકે પછીથી આ બન્નેને વ્યક્તિદીઠ ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડવામાં આવી હતી. જોકે આમ છતાં અપસેટ થયેલા શિવસૈનિકોએ એક યુવતીના અન્કલની હૉસ્પિટલ પર હુમલો કરીને દરદીઓને હેરાન કર્યા હતા તેમ જ હૉસ્પિટલને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હતું. આખા દેશમાં આ બનાવની થયેલી ટીકાને પગલે આખરે પોલીસે સ્વીકાર્યું છે કે તેમણે શિવસૈનિકોના દબાણને કારણે યુવતીઓની ધરપકડ કરી હતી.

આ યુવતીઓની ધરપકડ કરનારા પાલઘર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શ્રીકાંત પિંગળેએ કહ્યું હતું કે ‘આ ઘટના પછી પાલઘર પોલીસ-સ્ટેશન પાસે ચારથી પાંચ હજાર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જો અમે આ યુવતીઓની ધરપકડ ન કરી હોત તો પોલીસ-સ્ટેશન સહિત અનેક ઇમારતોને આગ લાગી જાત અને પરિસ્થિતિ બેકાબૂ બની જાત. હકીકતમાં આ ઘટના બની એ સમયે હું પોલીસ-સ્ટેશનમાં હાજર નહોતો અને મારા મદદનીશે મને માહિતી આપી હતી કે સાંજે સાત વાગ્યાથી ટોળું ક્રમશ: વધી રહ્યું છે. ધીરે-ધીરે પોલીસ-સ્ટેશનની બહાર ૧૦૦૦ મહિલા-વર્કર્સ સહિત ૫૦૦૦ વ્યક્તિઓનું ટોળું ભેગું થઈ ગયું હતું. સામા પક્ષે આરોપી યુવતીઓએ ટોળાની ડિમાન્ડ સામે નમીને માફીપત્ર લખવાની ના પાડી દીધી હતી. જોકે બે કલાકના લાંબા વિવાદ પછી યુવતીઓ માફીપત્ર લખવા તૈયાર થઈ હતી, પરંતુ ત્યાં સુધી જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું હતું. અકળાયેલા ટોળાએ એક છોકરીના કાકાના ક્લિનિક પર હુમલો કરી દીધો હતો. આ વણસતી જતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આખરે અમારી પાસે આ બન્ને છોકરીઓની ધરપકડ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો.’

પાલઘરના પોલીસ-અધિકારીઓએ યુવતીઓની કરેલી ધરપકડનો ભારે વિરોધ થતાં પોલીસે એક યુવતીના કાકાના ક્લિનિક પર હુમલો કરવાના આરોપસર આ વિસ્તારની ૧૦ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જોકે આમ છતાં પોલીસ આ આરોપીઓ એ વિસ્તારના સ્થાનિકો હતા એવી સ્પષ્ટતા કરીને પોલીસ-સ્ટેશનને ઘેરાવ કરીને તંગદિલી સર્જનારા શિવસૈનિકોને હજી પણ છાવરી રહી છે. પોલીસનો દાવો છે કે આરોપીના કાકા સાથેની અદાવતને કારણે તેમના ક્લિનિક પર હુમલો કરવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં શ્રીકાંત પિંગળેએ કહ્યું હતું કે હકીકતમાં જ્યારે આ હૉસ્પિટલ પર હુમલો થયો હતો ત્યારે શિવસેનાના નેતા શંખે સહિતના મોટા ભાગના શિવસૈનિકો પોલીસ-સ્ટેશનમાં જ હતા.

પોલીસે આ તમામ આરોપીઓની કાયદાની અલગ-અલગ કલમ હેઠળ ધરપકડ કરી હતી. જોકે પછી તમામ આરોપીઓને પાલઘર પોલીસ લોકલ ર્કોટમાં રજૂ કરીને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.