08 July, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલઘરમાં સોમવારે અને મંગળવારે ૨૦૩ મિલીમીટર વરસાદ પડ્યો એને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા.
પાલઘરમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યારે થયેલી દુર્ઘટનાઓમાં પહેલી જુલાઈથી સાતમી જુલાઈ દરમ્યાન એટલે એક જ અઠવાડિયામાં ૧૦ જણે જીવ ગુમાવ્યા હોવાનું ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઇન્દુ રાણીએ જણાવ્યું હતું. છઠ્ઠી અને સાતમી જુલાઈએ ૨૪ કલાકમાં જ અહીં ૨૦૩ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ત્રણ જણનું મૃત્યુ થયું હતું. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑપરેશન્સમાં કુલ ૩૮૯ કુટુંબના ૧૨૬૧ લોકોને ઉગારીને પાલઘર, વસઈ અને વાડા તાલુકામાં આવેલા રિલીફ સેન્ટરમાં, ચર્ચમાં, કમ્યુનિટી હૉલ જેવા સુરિક્ષત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે. વિરારમાં સ્થાનિક પ્રશાસનને રાહતકાર્યમાં મદદ કરવા માટે સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ને પણ તહેનાત કરવામાં આવી છે.
૧૦ જણનાં મૃત્યુ ઉપરાંત દહાણુમાં એક જણ મિસિંગ હોવાની જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત પિંજલ અને વૈતરણા નદી બન્ને કાંઠે વહી રહી હોવાની અને માહિમ-કેળવે ડૅમ પણ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોવાની માહિતી તેમણે આપી હતી. ઉપરાંત ૮૦૮૫ પક્ષીઓ, ૭ ભેંસ, બે બળદનાં મૃત્યુ નોંધાયાં હતાં.