ધારાવીમાંથી ૧.૩૦ લાખ લોકોએ શહેર છોડવાની અરજી કરી

15 May, 2020 09:55 AM IST  |  Mumbai Desk | Faizan Khan

ધારાવીમાંથી ૧.૩૦ લાખ લોકોએ શહેર છોડવાની અરજી કરી

વાડીબંદર પાસે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહેલા ધારાવીથી આવેલા પરપ્રાંતીયો. તસવીર : સુરેશ કરકેરા

પોતાના વતનનાં રાજ્યોમાં પાછા ફરવા માટે મુંબઈ પોલીસ પાસે નોંધણી કરાવનારા સ્થળાંતરીઓમાંથી એકતૃતીયાંશ કરતાં વધુ લોકો પરપ્રાંતીયો છે. કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત થયા બાદ પાંચ લાખ કરતાં વધુ લોકોએ તેમના વતનના ઘરે પાછા ફરવા માટે નોંધણી કરાવી હતી. એમાંથી આશરે ૩૦ ટકા (૧.૩૦ લાખ) લોકો એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા ધારાવીના છે.
ધારાવીનાં બે પોલીસ-સ્ટેશનો શાહૂનગર અને ધારાવી સ્થળાંતરી મજૂરોની અરજીઓથી છલકાઈ ગયાં છે. બુધવાર સુધીમાં ધારાવી પોલીસે ૭૫,૦૦૦ અરજીઓ અને શાહૂનગર પોલીસે ૫૫,૦૦૦ અરજીઓ મેળવી છે.
ધારાવીમાં કોરોના વાઇરસના કેસ‍ની સંખ્યા દરરોજ વધી રહી છે. લોકોમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ વતન પાછા જવા માગે છે. રોજ અરજીઓની સંખ્યા વધી રહી છે એમ સેન્ટ્રલ રીજનના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ વીરેશ પ્રભુએ જણાવ્યું હતું. છેલ્લી વસ્તીગણતરી અનુસાર ધારાવીમાં ૬.૫ લાખ લોકો રહે છે. સત્તાતંત્ર ધારાવી છોડીને જવા માગતા સ્થળાંતરીઓ માટે વધુ ટ્રેનની ગોઠવણ થાય એમ ઇચ્છે છે.
સ્થાનિક સંસદસભ્ય રાહુલ શેવાળેએ જણાવ્યું હતું કે આશરે ૨.૫ લાખ મજૂરો જવા માટે ઉત્સુક છે. લોકો ધીરજ ગુમાવી રહ્યા છે, કારણ કે તેમની પાસે કોઈ કામ નથી અને તેઓ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. શહેર પોલીસ અને બીએમસી કમિશનર તેમને વતનના ઘરે પાછા મોકલવા માટે પ્રયત્નશીલ છે. અમે રોજ ૧૦ શ્રમિક સ્પેશ્યલ દોડાવવા ઇચ્છીએ છીએ, જેમાંથી ૩થી ૪ ટ્રેનો ધારાવીના રહેવાસીઓ માટે હશે એમ શેવાળેએ જણાવ્યું છે.

faizan khan mumbai mumbai news dharavi lockdown coronavirus