ચેમ્બુરમાં સ્લૅબ તૂટી પડતાં એકનું મોત અને મહિલા સહિત નવ જણ ઈજાગ્રસ્ત

24 June, 2022 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બપોરે ૩.૧૫ વાગ્યે બનેલી આ ઘટનામાં ૨૨ વર્ષનો ગાર્મેન્ટ ફૅક્ટરીનો કારીગર મુજારી ઝા મૃત્યુ પામ્યો હતો

ગણેશનગરમાં આવેલા પુષ્પક કમ્પાઉન્ડમાં ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટનો સ્લૅબ તૂટી પડતાં એક જણનું મોત થયું હતું. (તસવીર : સૈયદ સમીર અબેદી)

ચેમ્બુરના ગણેશનગરમાં આવેલા પુષ્પક કમ્પાઉન્ડમાં જઈ કાલે બપોરે ૩.૧૫ વાગ્યે ગ્રાઉન્ડ પ્લસ એક માળના જૂના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટનો સ્લૅબ તૂટી પડતાં એક મહિલા સહિત નવ કારીગરો ઈજાગ્રસ્ત થયા હતા અને એક જણનું મૃત્યુ થયું હતું.

ફાયર બ્રિગેડના એક અધિકારીએ આ દુર્ઘટનાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૩.૧૫ વાગ્યે બનેલી આ ઘટનામાં ૨૨ વર્ષનો ગાર્મેન્ટ ફૅક્ટરીનો કારીગર મુજારી ઝા મૃત્યુ પામ્યો હતો. તેના સિવાય ૧૯ વર્ષનો ધીરજકુમાર, ૧૯ વર્ષનો રેહાન ખાન, ૫૮ વર્ષનો વિકાસ કુલકર્ણી, ૫૩ વર્ષનો પ્રેમનાથ ધનાવડે, ૨૨ વર્ષનો મુરાડ અલી, ૩૫ વર્ષનો મોહમ્મદ તોબરાક ઈજા પામ્યા હતા અને હૉસ્પિટલમાં તેમની પરિસ્થિતિ સારી છે. ૨૦ વર્ષની રુબીના શેખ અને ૪૫ વર્ષની મંજુ નિર્મલને મામૂલી ઈજા થઈ હતી. તેમને હૉસ્પિટલમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે.

આ બનાવને નજરે જોનારી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. ગઈ કાલે બપારે અચાનક પહેલા માળનો સ્લૅબ તૂટી પડતાં ફૅક્ટરીના બારથી વધારે કારીગરો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ આવે એ પહેલાં જ એક મહિલા સહિત બાર જણને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. કાટમાળ ખસેડવાનું કામ મોડી રાત સુધી ચાલી રહ્યું હતું.’

આટલી મોટી દુર્ઘટનામાં સદ્નસીબે બચી ગયેલા પહેલા માળની ટ્રાઉઝર સિલાઈની ફૅક્ટરીમાં કામ કરતા એક કારીગર કલીમ ઇદ્રિસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં ચેમ્બુરની નવજીવન સોસાયટી પાસે આવેલા પુષ્પક કમ્પાઉન્ડમાં નાના-નાના એકમો છે. હું ફૅક્ટરીના પહેલા માળે કામ કરતો હતો. અચાનક પહેલાં માળનો સ્લૅબ તૂટી પડ્યો હતો. જોકે હું ફૅક્ટરીના છતના ખૂણામાં લટકવામાં સફળ થયો હતો. એને લીધે મને ડાબા પગમાં ઈજા થઈ છે. કેટલાક લોકોને તો માથામાં ઈજા થઈ છે. અમે ખુદાની મહેરબાનીથી બચી ગયા છીએ.’

mumbai mumbai news chembur